

પોરબંદર , 16 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને નૂતનવર્ષના પાવન પર્વ નિમિત્તે પોરબંદર
મહાનગરપાલિકાના સેનીટેશન કમિટીના ચેરમેન વનરાજ કેશવાલા દ્વારા શહેરની સ્વચ્છતા
જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કામદારો માટે વિશેષ સ્નેહમિલન સમારોહનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન
મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર
મનીષભાઈ શિયાળ,
સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ
કમિશનર કિશન ગરસર તથા સેનીટેશન કમિટીના ચેરમેન વનરાજ કેશવાલા સહિતના મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે
કેક કટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સફાઈ કર્મચારીઓને
મીઠાઈનું વિતરણ કરી દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે
મહાનુભાવોએ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી
નિષ્ઠાપૂર્વકની કામગીરીની સરાહના કરી હતી. સફાઈ મિત્રો શહેરની સ્વચ્છતા વ્યવસ્થાની
કરોડરજ્જુ સમાન છે ત્યારે તેમની સેવાઓને બિરદાવી તેમના પરિવારજનોના સુખ, સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને
ઉજ્જવળ ભવિષ્યની મંગલકામના કરવામાં આવી હતી. આ સ્નેહમિલન સમારોહ થકી સફાઈ
કર્મચારીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચી તેમના પ્રત્યે સન્માન અને આભારની લાગણી
વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya