
બાઈક રેલી અને શોભાયાત્રાથી શહેર બન્યું જલારામમય, મોટી સંખ્યામાં ભક્તો અને નગરજનોએ દર્શનનો લાભ લીધો
જુનાગઢ 16 નવેમ્બર (હિ.સ.) : સેવાભાવ, ભક્તિ, માનવતા અને પરોપકારનો અમૂલ્ય સંદેશ સમગ્ર વિશ્વને આપનાર સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે કેશોદ શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મજયંતીની ઉજવણીને લઈને સમગ્ર કેશોદ શહેર જલારામ બાપાના રંગે રંગાયું હતું. શહેરના મુખ્ય માર્ગો પર જલારામ બાપાના જયઘોષ ગુંજી ઉઠતાં વાતાવરણમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો.
કેશોદ સ્થિત શ્રી જલારામ મંદિર ખાતે જન્મજયંતીના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જલારામ બાપાનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જલારામ બાપાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જન્મજયંતીની ઉજવણીના મુખ્ય આકર્ષણરૂપે જલારામ મંદિર ખાતેથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને જલારામ બાપાના જયઘોષ સાથે શહેરમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો. બાઈક રેલી બાદ સંત શ્રી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલી જલારામ બાપાની પ્રતિમા ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
શોભાયાત્રા કેશોદ શહેરના મુખ્ય રાજમાર્ગો અને વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. શોભાયાત્રાના માર્ગમાં નગરજનો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ જલારામ બાપાનાં દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રામાં જલારામ ભક્તો, યુવાનો, મહિલાઓ, વડીલો સહિત વિવિધ સમાજના નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. જલારામ બાપાના જયઘોષ અને ભક્તિગીતોના માહોલથી સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે સંત શ્રી જલારામ બાપાના જીવન અને તેમના સેવાકાર્યોનું સ્મરણ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. જલારામ બાપાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન ભૂખ્યા લોકોને અન્નદાન, જરૂરિયાતમંદોની સેવા, પરોપકાર અને નિઃસ્વાર્થ માનવસેવાને જ સાચો ધર્મ માન્યો હતો. વિરપુરથી શરૂ થયેલી તેમની સેવાભાવનાની પરંપરા આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રેરણારૂપ બની રહી છે. તેમની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોમાં આ જ સેવાભાવ અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો.
જન્મજયંતીની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીની ખનક સોઢાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જ્યારે જલારામ મંદિર કેશોદના ટ્રસ્ટી ડો. સ્નેહલ તન્નાએ પણ જન્મજયંતીની ઉજવણી અને જલારામ બાપાના સેવાકાર્યો અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
આમ, કેશોદના જલારામ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમો, ભવ્ય બાઈક રેલી અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો તથા નગરજનોની સહભાગિતાએ જન્મજયંતીના ઉત્સવને યાદગાર બનાવ્યો હતો. ભક્તિ, એકતા, અન્નદાન અને માનવસેવાના સંદેશ સાથે સંત જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની કેશોદમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી સંપન્ન થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ