
ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ ભાવનગર સંસ્થાના ટ્રાન્સપોર્ટ પ્રભાગ દ્વારા સડક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અલૌકિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સમાજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં ભાવનગર ટ્રાફિક શાખા, RTO શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ NGO સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જવાબદારી દાખવવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.
વાહનચાલકોની નાની બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે ત્યારે હેલ્મેટ પહેરવું, સીટબેલ્ટનો ઉપયોગ કરવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે માર્ગ સલામતી અને માનવજીવનના મૂલ્યનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA