રાજકોટમાં જલારામ જયંતિની તૈયારી વચ્ચે વાહન હટાવવા મામલે માથાકૂટ : સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળામાં છરી મારી
150 ફૂટ રિંગરોડ ઉપર નાણાવટી ચોકમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી : પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ભાગ્યો : ગુનો દાખલ કરી અટકાયત કરાઈ. રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસેની વીતરાગ સોસાયટીમાં જલારામ જ
હુમલો


- 150 ફૂટ રિંગરોડ ઉપર નાણાવટી ચોકમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી : પોલીસ આવતા કાર મૂકી ઉમંગ ભુત ભાગ્યો : ગુનો દાખલ કરી અટકાયત કરાઈ.

રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા નાણાવટી ચોક પાસેની વીતરાગ સોસાયટીમાં જલારામ જયંતિની પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં જ શાકભાજીનું વાહન આડાશ બાબતે થયેલી સામાન્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા કાળા રંગની સ્કોર્પિયો ચાલકે વેપારીને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં આરોપી કાર સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

વીતરાગ સોસાયટીમાં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વેપાર કરતા અંકિત ગુણવંતરાય શેઠ (41) ગઇકાલે (15 નવેમ્બર) રાત્રિના સોસાયટીમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં અન્ય યુવકો સાથે મળીને જલારામ જયંતિની તૈયારીઓ કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિર પાસે તેમનું શાકભાજી ભરેલો 'છોટાહાથી' વાહન પાર્ક કરેલુ હતું. આ સમયે શાકભાજી ખાલી કરવા માટે વાહન અંદર લઈ જવા બાબતે સોસાયટીની જ એક ભાડે રહેતી મહિલાના સંબંધી અને સ્કોર્પિયો કારના ચાલક ઉમંગ ભુત સાથે વાહન સામસામે આવી ગયું હતું.

ગાડી હટાવવા અને રસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કારમાંથી છરી કાઢીને અંકિત શેઠ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ અંકિત શેઠને ઢીકાપાટુનો માર મારી, ડાબી બાજુ કાનની નીચે તથા ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વચ્ચે બચાવ કરવા લાગ્યા હતા.

તે જ વખતે ત્યાં પોલીસની 112 ઇમરજન્સી વેન આવી જતાં તેની લાઈટ જોઈને સ્કોર્પિયો ચાલક ઉમંગ ભુત પોતાની કાર સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. જતાં-જતાં આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં અંકિતને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગળાના ભાગે ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી.

ઇજાગ્રસ્ત વેપારી અંકિતભાઈ શેઠની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સ્કોર્પિયો કારને કબજામાં લઈને ચાલક ઉમંગ ભુત વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande