

પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર ખાતે યોજાનારા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાને લઈને નગરપાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ તૈયારીઓના ભાગરૂપે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા મેળામાં નાસ્તા અને ખાણીપીણીના સ્ટોલ માટે ફાળવવામાં આવતા 20 નાના પ્લોટોની જાહેર હરાજી યોજાઈ હતી. જેમાં વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હરાજી થકી નગરપાલિકાને કુલ રૂ. 3,46,000ની આવક પ્રાપ્ત થઈ હતી.
હરાજીની પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, કારોબારી ચેરમેન અંકુર મારફતિયા, ચીફ ઓફિસર કૃપેશ પટેલ, નગરપાલિકાના સદસ્યો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. બિંદુ સરોવર અને માતૃગયા તીર્થના કારણે ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ, ધાર્મિક વિધિઓ અને પવિત્ર સ્નાન માટે સિદ્ધપુર આવે છે.
મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા, પીવાનું પાણી, લાઇટિંગ, માર્ગ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને વેપારીઓ માટેના સ્ટોલ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ