
ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) : સ્વચ્છ ગુજરાત ૧૦૦ દિવસ અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા. 16-11-2026ના રોજ શહેરના વિવિધ રહેણાકીય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રવૃત્તિના ભાગરૂપે મહાનગરપાલિકાની ટીમ દ્વારા રહેવાસીઓને ઘન કચરાનું યોગ્ય રીતે ચાર પ્રકારે વર્ગીકરણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઘરેથી નીકળતા કચરાને અલગ-અલગ રાખવાની જરૂરિયાત સમજાવી ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનિટરી કચરાનું યોગ્ય રીતે અલગ સંગ્રહ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કચરાનું સ્ત્રોત પર જ વર્ગીકરણ કરવામાં આવે તો કચરાના નિકાલ અને રિસાયક્લિંગની પ્રક્રિયા વધુ સરળ અને અસરકારક બની શકે છે તે અંગે પણ નાગરિકોને સમજાવવામાં આવ્યા હતા. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો, રસ્તા અને શેરીઓ સ્વચ્છ રાખવી તેમજ મહાનગરપાલિકાની કચરા એકત્રિત કરવાની વ્યવસ્થામાં સહકાર આપવો તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે નાગરિકો પણ પોતાની જવાબદારી સમજીને દૈનિક જીવનમાં કચરાના વર્ગીકરણની ટેવ અપનાવે તેવા હેતુથી આ IEC એક્ટિવિટી યોજવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA