
ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમ દ્વારા નૂતનવર્ષના પ્રારંભે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ધાર્મિક માહોલ વચ્ચે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કથાના વક્તા વિશ્વાનંદ માતાજીએ વ્યાસપીઠ પરથી શાસ્ત્રોક્ત પ્રસંગોની સાથે વર્તમાન સમાજજીવનને ઉપયોગી ચિંતન રજૂ કર્યું હતું.
કથાના પ્રસંગો દરમિયાન વિશ્વાનંદ માતાજીએ શ્રીકૃષ્ણના જીવનચરિત્ર અને લીલાઓનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શરીર, ઘર, ગામ અને રાષ્ટ્રની સ્વચ્છતા સાથે દિવ્યતા અને પ્રભુતા જોડાયેલાં છે. સ્વચ્છતા માત્ર વ્યક્તિગત બાબત નથી, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી પણ છે. આ માટે દરેક વ્યક્તિએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
શ્રીકૃષ્ણ જન્મોત્સવના પ્રસંગે કથામંડપમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કૃષ્ણ જન્મની વધામણી અને ભક્તિગીતો સાથે શ્રદ્ધાળુઓ આનંદમાં ઝૂમી ઊઠ્યા હતા.
આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન ભદ્રાયુ વછરાજાનીએ વિશ્વાનંદ માતાજી, આશ્રમ પરિવાર તથા જાળિયા ગામની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. ટીંબી સ્થિત નિર્દોષાનંદ માનવસેવા દવાખાનાના બાબુભાઈ (બી.એલ.) રાજપરાએ પણ આશ્રમની પ્રવૃત્તિઓ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કથામાં રામદાસજી માતાજી, ભગવાનદાસ બાપુ, ગાયત્રી માતાજી, ગુરુઆશ્રમ બગદાણાના સેવકો-કાર્યકરો સહિત ધાર્મિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA