
ભાવનગર 16 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર ઐતિહાસિક અને વિરાસત ધરાવતા રેલવે સ્ટેશનોના સમૃદ્ધ વારસાનું જતન કરવા તેમજ સામાન્ય જનતાને ભારતીય રેલવેના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડવાના ઉદ્દેશ્યથી 18 નવેમ્બર, 2026ના રોજ પ્રાચી રોડ રેલવે સ્ટેશન ખાતે ‘સ્ટેશન મહોત્સવ – Birthday Celebration of Historic/Heritage Railway Station’નું આયોજન કરવામાં આવશે.
આ અગાઉ ભાવનગર મંડળ દ્વારા 18 સપ્ટેમ્બર, 2026ના રોજ વેરાવળ, 19 સપ્ટેમ્બર, 2026ના રોજ જૂનાગઢ અને 22 સપ્ટેમ્બર, 2026ના રોજ વિસાવદર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ જ શ્રેણીમાં પ્રાચી રોડ રેલવે સ્ટેશન ખાતે યોજાનારો આગામી મહોત્સવ રેલવેના ઐતિહાસિક વારસા, સ્થાનિક સંસ્કૃતિ અને વિસ્તારની ગૌરવશાળી ઓળખને પ્રદર્શિત કરવાની એક મહત્ત્વપૂર્ણ તક બની રહેશે.
આ કાર્યક્રમનું આયોજન ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામાં આવી રહ્યું છે. મહોત્સવમાં રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ, મુસાફરો તથા સામાન્ય નાગરિકોની ઉત્સાહભેર સહભાગિતા અપેક્ષિત છે.
આ પ્રસંગે રેલવેની ઐતિહાસિક સફર અને વારસાને દર્શાવવા માટે ઐતિહાસિક ફોટો પ્રદર્શન, Vintage Exhibits, Heritage Equipment તેમજ જૂની રેલવે સામગ્રી પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત Flag March અને Helium Balloon Raising જેવા આકર્ષક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
બાળકો અને યુવાનોની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે Drawing Competition, શેરી નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની સાથે રેલવે કર્મચારીઓના યોગદાનને પણ બિરદાવવામાં આવશે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને ભારતીય રેલવેના ગૌરવશાળી વારસા, સ્વચ્છતા, સુરક્ષિત રેલ મુસાફરી તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવશે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવ ઐતિહાસિક રેલવે સ્ટેશનોના વારસા અને સ્થાનિક સાંસ્કૃતિક ઓળખનું જતન કરવા તેમજ નવી પેઢીને ભારતીય રેલવેના ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત કરાવવાની દિશામાં એક સરાહનીય પહેલ છે. આવા આયોજનો રેલવે અને સામાન્ય જનતા વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવાની સાથે સ્થાનિક સમુદાયને પોતાના ઐતિહાસિક વારસા પર ગૌરવ અનુભવવાની તક પણ પૂરી પાડે છે.
ઉલ્લેખનીય છે કે, રેલવે બોર્ડની પહેલ અંતર્ગત ઓગસ્ટથી નવેમ્બર, 2026 દરમિયાન દેશભરમાં 100 વર્ષ કે તેથી વધુ જૂના ઐતિહાસિક અને વિરાસત ધરાવતા રેલવે સ્ટેશનો પર ‘સ્ટેશન મહોત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય રેલવેના સમૃદ્ધ ઐતિહાસિક વારસાનું જતન કરવું, તેને સામાન્ય જનતા સમક્ષ પ્રદર્શિત કરવું તથા ભાવિ પેઢીઓને રેલવેના ગૌરવશાળી ભૂતકાળ અને વિકાસયાત્રા સાથે જોડવાનો છે.
ભાવનગર મંડળ દ્વારા પ્રાચી રોડ રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ મહોત્સવ ઐતિહાસિક વારસા, સ્થાનિક સંસ્કૃતિ અને ભારતીય રેલવેની વિકાસયાત્રાની ઉજવણી બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ