



પોરબંદર, 16 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં રોંગ સાઇડમાં બેફામ ઝડપે દોડતાં વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કમલબાગથી નરસંગ ટેકરી તરફ જતા માર્ગ પર જલારામ કોલોનીના ગેટ પાસે રવિવારે રાત્રિના સમયે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં પૂર ઝડપે આવી રહેલી કારે કેટરિંગનો માલસામાન ભરેલી છકડો રિક્ષાને જોરદાર ટક્કર મારતાં બે મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં દિવ્યાબેન સુખડીયા, ભાવિકાબેન હિતેશભાઈ સુખડીયા, વેરન્દ્ર કસ્તુરીલા અને વિજય દિનેશ સોઢાને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે છકડો રિક્ષામાં ભરેલો કેટરિંગનો માલસામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો અને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસમાત સર્જાયા બાદ કારચાલક કારની અંદર જ બેસી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ કારમાં બેઠેલા શખ્સને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બનાવની જાણ થતાં આસપાસના લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. જે સ્થળે અકસ્માત સર્જાયો તે સ્થળેથી કમલબાગ પોલીસ સ્ટેશન થોડે જ દૂર હોવા છતાં પોલીસ 20થી 25 મિનિટ બાદ
પહોંચી હોવાની ચર્ચા પણ થઈ રહી છે.પોરબંદર
શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે કારચાલકો બેફામ રીતે વાહનો દોડાવતા હોવાના કારણે શહેરી વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. દિવાળીના દિવસે પણ કારના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવવો પડ્યો હતો. તેમ છતાં બેફામ વાહનચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાંજના અને રાત્રિના સમયે વાહનચાલકો પાસેથી માત્ર દંડ વસૂલવા પૂરતી કામગીરી કરવાને બદલે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અને બેફામ ઝડપે વાહનો દોડાવતા ચાલકો સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
શહેરના એમ.જી. રોડ અને કમલબાગ રોડ સહિતના વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારી બેફામ વાહનચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી લોકમાગ ઊઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya