

પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ પુલ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતને પગલે પુલ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
અકસ્મતમાં જીવ ગુમાવનાર દંપતીની ઓળખ સમી તાલુકાના તારોરા ગામના રહેવાસી મકવાણા ઈશ્વરભાઈ અને વાલ્મિકી ઘનીબેન તરીકે થઈ છે. બંને બાઈક પર સવાર થઈ સરવાલ પુલ પરથી પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે ટ્રકની અડફેટે આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
અકસ્મત સર્જાયા બાદ ટ્રકચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં હારીજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચનામું કરી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ