
- પ્રણામી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું.
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ અવસરે બ્રહ્મભોજન અને સમૂહભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર જોડાઈને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને વીરપુરના સદાવ્રત સેવાયજ્ઞને યાદ કર્યો હતો.
જામનગર શહેરના પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ પરંપરાગત અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવાઈ હતી. લોહાણા મહાજન સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવની શરૂઆત સવારે ભૂદેવોને ભાવપૂર્વક મિષ્ટાન્ન ભોજન કરાવવાથી થઈ હતી. ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલા આ બ્રહ્મભોજનથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
બપોરના સમયે સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે વિશાળ સમૂહભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના પ્રારંભ પૂર્વે સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પૂજ્ય જલારામ બાપાની ભક્તિભાવ સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ બાપાના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી.
આ પાવન અવસરે વીરપુર ખાતે અવિરતપણે ચાલતા જલારામ બાપાના સદાવ્રતના સેવાયજ્ઞને વિશેષ રૂપે યાદ કરાયો હતો. સમાજમાં પરસ્પર પ્રેમ, સહકાર અને એકતાની ભાવના વધુ દ્રઢ બને તેવી પ્રાર્થના સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લઈ ઉત્સવને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt