રાજકોટમાં હાર્ટ એટેકનો કહેર: એક જ દિવસમાં સગીરા અને યુવક સહિત પાંચ લોકોનાં હૃદયરોગથી કરૂણ મોત
રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થઈને મૃત્યુ પામવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ સામે આવેલી એક હૃદયદ્રાવક ઘટનામાં શહેરભરમાં માત્ર એક જ દિવસની અંદર 17 વર્ષીય સગીરા અને એક યુવક સહિત કુલ પ
હાર્ટએટેક


રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થઈને મૃત્યુ પામવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ સામે આવેલી એક હૃદયદ્રાવક ઘટનામાં શહેરભરમાં માત્ર એક જ દિવસની અંદર 17 વર્ષીય સગીરા અને એક યુવક સહિત કુલ પાંચ વ્યક્તિનાં અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યાં છે. આ હૃદયદ્રાવક બનાવોને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક અને આઘાતનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે સમગ્ર પંથકમાં ચારેય બાજુ ગમગીની છવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટ સામે સોનલ પાર્કમાં રહેતી અંજુબા પ્રવિણસિંહ સોલંકી પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગઈ હતી, જેને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ હોસ્પિટલ પહોંચતાની સાથે જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અન્ય બનાવોમાં ચુનારાવાડના કંચનબેન દીપકભાઈ ગુજરીયા (42), સીતારામ કોમ્પલેક્ષના ચેતનાબેન અશોકભાઈ રાદડીયા (44), કોઠારીયા મેઈન રોડ પર રહેતા જયેશભાઈ યશવંતરાય જાની (48) તેમજ નવાગામ પોલીસ ચોકી પાછળ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના અને મજૂરી કામ કરતા નિલેશભાઈ ચતુરભુજભાઈ ચૌહાણ (40)નાં પણ અચાનક બેભાન થઈ જવાના કારણે કરૂણ મોત નીપજ્યાં છે.

આ તમામ કમનસીબ બનાવોમાં મોટાભાગના મૃતકો ઘરમાં કે આસપાસ અચાનક બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલ પહોંચતા પહેલા અથવા ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. જયેશભાઈ જાની અગાઉ પેરાલિસિસની બીમારીથી પીડિત હતા અને શનિવારે જ હોસ્પિટલમાંથી રજા મેળવીને ઘરે આવ્યા હતા, જ્યારે નિલેશભાઈને ઉલ્ટી થયા બાદ અચાનક તબિયત બગડી હતી. નાની વયના યુવાનો અને સગીરાઓમાં આ પ્રકારે અચાનક હૃદયરોગના હુમલા આવવાની ઘટનાઓથી સ્થાનિક તબીબી આલમ અને નાગરિકોમાં ગંભીર ચિંતા વ્યાપી ગઈ છે.

આવી અણધારી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે. યુવાવર્ગ અને વયસ્કોમાં વધતા જતા હાર્ટ એટેકના જોખમને નાથવા માટે નિયમિત આરોગ્ય તપાસ અને સમયસરની તબીબી કાળજી અત્યંત અનિવાર્ય બની ગઈ છે. આ દુર્ઘટનાઓથી સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સૌકોઈ આ પ્રકારના અચાનક મોત સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande