
સુરત, 16 નવેમ્બર (હિ.સ.): સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેલુ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. પાલિયા ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા અશોક નામના વ્યક્તિએ પોતાની 45 વર્ષીય પત્ની અરુણાબેન રાઠોડ પર લાકડાના ફટકા મારી તેમની હત્યા કરી હોવાનો આરોપ છે. અરુણાબેન છેલ્લા બે વર્ષથી પતિ સાથે અહીં રહેતા હતા અને ભંગાર વીણીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે અશોક કડિયાકામ કરતો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, ગઈકાલે રાત્રે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા અશોકે અરુણાબેનના માથાના ભાગે લાકડાના બે થી ત્રણ ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે અરુણાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ આરોપી અશોક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ આજે સવારે થતાં લાલગેટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ACP આર.આર. આહીરે પણ ઘટનાની પુષ્ટિ કરી આરોપીની શોધખોળ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે