
જૂનાગઢ 16 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં આગામી તા.૨૦થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારી ગિરનાર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, ત્યારે પરિક્રમા માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે અને વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. પરિક્રમા દરમિયાન અન્નક્ષેત્રોનું સંચાલન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્લાસ્ટિકમુક્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને પરવાનગીની શરતોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન દર વર્ષે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓની સુખાકારી અને ભોજન-પ્રસાદની વ્યવસ્થા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રોના સંચાલકોએ પરવાનગીમાં દર્શાવેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટ દ્વારા PIL નં. ૦૬/૨૦૨૩ના કેસમાં આપવામાં આવેલા દિશાનિર્દેશો તથા અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૨૫/૦૧/૨૦૦૦ના હુકમ અનુસાર વન્યપ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, પેકિંગ મટિરિયલ સહિતની પ્લાસ્ટિક બનાવટો લઈ જવા તથા તેનો ગમે ત્યાં ફેંકવા પર પ્રતિબંધ છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના તા. ૨૨/૦૫/૨૦૧૯ના પરિપત્ર અન્વયે પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિકની બનાવટો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનો ભંગ કરનાર સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૨૯ તથા ૩૫ હેઠળ ગુનો બને છે અને મહત્તમ દંડનીય કાર્યવાહી થઈ શકે તેમ હોય તે બાબતે ધ્યાને લઈ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા નાયબ વન સંરક્ષક જૂનાગઢની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ