
નિઃશુલ્ક આયુષ સેવાઓ થકી ૧,૧૦૨ લાભાર્થીઓને અપાયો આરોગ્યલક્ષી લાભ
જુનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) : સરકારની આયુષ સેવાઓ જનજન સુધી પહોંચાડવાના હેતુથી નિયામક આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ દ્વારા જૂનાગઢના દોલતપરા સ્થિત રોકડિયા હનુમાન મંદિર, જીઆઈડીસી-૧ ખાતે સર્વરોગ આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દોલતપરા, ખામધ્રોળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારના નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આયુષ સેવાઓનો લાભ લીધો હતો.
કેમ્પ અંતર્ગત કુલ ૧૮૨ નાગરિકોએ આયુષ નિદાન અને સારવારનો લાભ લીધો હતો, જ્યારે ૩૨૦ નાગરિકોને સ્વાસ્થ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩૦૦ લાભાર્થીઓને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૩૦૦ લાભાર્થીઓને રોગપ્રતિકારક ઔષધિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, કેમ્પમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ થકી કુલ ૧,૧૦૨ સેવાઓના લાભો નાગરિકોને પૂરા પાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડૉ. પ્રણવ ત્રિવેદી, ડૉ. નરેન્દ્ર કરંગીયા, ડૉ. હેતલબેન વાઘેલા અને ડૉ. શૈલેષ પંડ્યા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોને નિદાન, સારવાર તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ