કચ્છની અજરખ કળા અને હાથશાળને મળશે વૈશ્વિક બજારની નવી ઊંચાઈ! કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કારીગરો સાથે કર્યો સીધો સંવાદ
કચ્છ, 16 નવેમ્બર (હિ.સ.) : કચ્છની ઓળખ સમાન પરંપરાગત હસ્તકલા, અજરખ બ્લોક પ્રિન્ટિંગ અને હાથશાળ ઉદ્યોગને દેશ-વિદેશમાં નવી ઓળખ અપાવવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો તેજ બનાવવામાં આવી રહ્યા છે. આ દિશામાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કચ્છની બે દિવસ
અજરખપુર ખાતે મંત્રી શ્રી ની મુલાકાત


અજરખપુર ખાતે મંત્રી શ્રી ની મુલાકાત


કચ્છ, 16 નવેમ્બર (હિ.સ.) : કચ્છની ઓળખ સમાન પરંપરાગત હસ્તકલા, અજરખ બ્લોક પ્રિન્ટિંગ અને હાથશાળ ઉદ્યોગને દેશ-વિદેશમાં નવી ઓળખ અપાવવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો તેજ બનાવવામાં આવી રહ્યા છે. આ દિશામાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કચ્છની બે દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ હસ્તકલા કેન્દ્રોની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો, વણકરો, ડિઝાઇનરો, ઉદ્યોગસાહસિકો અને નિકાસકારો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. તેમણે કચ્છની કળા માત્ર પરંપરાગત વારસો જ નહીં, પરંતુ રોજગારી અને આર્થિક વિકાસની મોટી સંભાવના ધરાવતું ક્ષેત્ર હોવાનું જણાવ્યું હતું.

મુલાકાત દરમિયાન મંત્રીએ ભુજ તાલુકાના અજરખપુર સ્થિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (LLDC) ક્રાફ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અહીં કચ્છની વિવિધ પરંપરાગત હસ્તકલા, પ્રાચીન કારીગરી અને વિશિષ્ટ ડિઝાઇનનું નિરીક્ષણ કરી આ કળાઓ પાછળ રહેલી પેઢી દર પેઢીની મહેનત અને સર્જનાત્મકતાની જાણકારી મેળવી હતી.

ત્યારબાદ LLDC ખાતે યોજાયેલા 'શિલ્પ સંવાદ' કાર્યક્રમમાં તેમણે હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. કારીગરોને તેમના ઉત્પાદનોનું યોગ્ય વળતર મળે, સ્થાનિક કળાને આધુનિક ડિઝાઇન સાથે જોડવામાં આવે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચ વધે તે માટે જરૂરી પગલાં અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. કારીગરોની સમસ્યાઓ, નિકાસની તકો અને બજાર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પણ ચર્ચાયા હતા.

કેન્દ્રીય મંત્રીએ અજરખની વૈશ્વિક ઓળખ સાથે સંકળાયેલા જાણીતા કારીગર ડૉ. ઇસ્માઇલ ખત્રીના કાર્યસ્થળની મુલાકાત લઈ હેન્ડ બ્લોક પ્રિન્ટિંગની પરંપરાગત પ્રક્રિયા નિહાળી હતી. રંગકામ અને બ્લોક પ્રિન્ટિંગની વિશિષ્ટ પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ 'ચલો અજરખપુર' પહેલ હેઠળ કાર્યરત એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ પરંપરાગત ઉદ્યોગ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચેના સમન્વયની કામગીરી પણ જાણી હતી.

ભુજ તાલુકાના ભુજોડી ગામે પહોંચેલા મંત્રીએ હાથશાળ ઉદ્યોગના જાણીતા કારીગરો દયાલ કુડેજા, ચમન પ્રેમજી અને વરિષ્ઠ વણકર વિશ્રામ વાલજી સાથે મુલાકાત કરી હતી. સ્થાનિક વણાટકળા, પરંપરાગત તકનીકો અને કારીગરોના યોગદાન વિશે જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત તેમણે ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લઈ વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મંત્રીની આ મુલાકાતથી કચ્છની પરંપરાગત કળાને આધુનિક બજાર સાથે જોડવા, કારીગરોની આવક વધારવા અને સ્થાનિક હસ્તકલાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની દિશામાં આશાઓ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande