લાભ પાંચમે હારિજ શાખા નહેરમાં નર્મદાનું પાણી છોડાયું, ખેડૂતોમાં રવિ પાકની આશા જાગી
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) હારિજ પંથકમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ નહિવત્ રહેતા ખેડૂતોને ખરીફ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હતો. વરસાદની અછતના કારણે દિવેલા સહિતના પાકો પાણી વિના સુકાવા લાગ્યા હતા. ખાસ કરીને દિવેલાનું વાવેતર કર્યાને બે મા
લાભ પાંચમે હારિજ શાખા નહેરમાં નર્મદાનું પાણી છોડાયું, ખેડૂતોમાં રવિ પાકની આશા જાગી


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) હારિજ પંથકમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ નહિવત્ રહેતા ખેડૂતોને ખરીફ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હતો. વરસાદની અછતના કારણે દિવેલા સહિતના પાકો પાણી વિના સુકાવા લાગ્યા હતા. ખાસ કરીને દિવેલાનું વાવેતર કર્યાને બે માસ જેટલો સમય થવા છતાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે લાભ પાંચમના દિવસે નર્મદા વિભાગ દ્વારા તંબોડીયા મુખ્ય નર્મદા કેનાલમાંથી નીકળતી હારિજ શાખા નહેરમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

સામાન્ય વર્ષોની સરખામણીએ આ વર્ષે અંદાજે 20 દિવસ વહેલું પાણી છોડવાની જરૂરિયાત હતી, પરંતુ કેનાલ સફાઈના ટેન્ડર મોડેથી મંજૂર થતાં પાણી છોડવામાં વિલંબ થયો હતો. જોકે, નહેરમાં પાણી આવતાં જ ખેડૂતો દિવેલાના પાકને સિંચાઈ આપવા કામે લાગ્યા છે. સાથે જ હવે તમાકુ, ઇસબગુલ, ઘઉં, વરિયાળી, સવા, અજમો અને રજકો સહિતના રવિ પાકની વાવણી માટે પણ આશા બંધાઈ છે.

હારિજ શાખા નહેરમાં પાણી છોડવામાં આવતા તંબોડીયા, ગોવના, જમણપુર, સોઢવ, પાલોલી, અરીઠા, જશોમાવ, કુકરાણા અને જાસ્કા સહિતનાં ગામોની ખેતીની જમીનોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનશે. ઉપરાંત પશુપાલકોને ઘાસચારા માટે પણ પાણી મળવાની આશા જાગી છે. લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો અને પશુપાલકોમાં નહેરમાં પાણી આવતાં ઉત્સાહ અને રાહતની લાગણી જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande