
સુરત, 16 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ટ્રેનોમાં વધેલી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળ દ્વારા વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 31 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ચાલેલા 'ઓપરેશન ડીપ' હેઠળ વિના ટિકિટ અને અનિયમિત ટિકિટ સાથે મુસાફરી કરતા કુલ 94,919 મુસાફરોને પકડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી રેલવેને કુલ ₹8.23 કરોડની આવક થઈ છે.
આ અભિયાન દરમિયાન રેલવે વિભાગે અગાઉથી ₹7.65 કરોડનો આવક લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ વાસ્તવિક વસૂલાતમાં ₹57.57 લાખનો વધારો નોંધાયો હતો. એટલે કે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં 7.52 ટકા વધુ આવક મેળવી હતી. ગયા વર્ષે દિવાળીના સમયગાળામાં ટિકિટ ચેકિંગ દ્વારા ₹5.36 કરોડની આવક થઈ હતી. તેની સરખામણીમાં આ વર્ષે ₹2.87 કરોડનો વધારો થયો છે, જે ગયા વર્ષની તુલનામાં 53.6 ટકા વધુ છે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન જનરલ અને સ્લીપર કોચમાં મુસાફરોની સંખ્યા વધતા ટિકિટ વગર મુસાફરી અને અન્ય અનિયમિતતાઓના કિસ્સાઓમાં વધારો થતો હોય છે. આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ રેલવેની આવકનું રક્ષણ કરવાની સાથે નિયમિત ટિકિટ લઈને મુસાફરી કરતા મુસાફરોને યોગ્ય સુવિધા અને સુરક્ષિત પ્રવાસ ઉપલબ્ધ કરાવવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે