

પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણના હાંસાપુર સ્થિત આસોપાલવ સોસાયટીમાં શનિવારે રાત્રે બારોટ સમાજ દ્વારા માતાજીની રમેલના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હારીજ તાલુકાના અડિયા ગામના વતની અમરત અમથા જાદવ ડાકલાના તાલે ધૂણી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની તબિયત લથડતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભુવા અચાનક બેભાન થઈ જતાં કાર્યક્રમમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, આશરે દોઢથી બે કલાકની સારવાર બાદ તેમનું નિધન થયું હતું. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ, આ કેસમાં 108 મારફતે કોઈ દર્દી હોસ્પિટલ લઈ જવાયો નહોતો.
મૃતકના પુત્ર શૈલેષે જણાવ્યું હતું કે અમરત જાદવ અગાઉથી ગંભીર હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. આશરે સાત મહિના પહેલાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તપાસમાં હૃદયની 18થી 19 નળીઓ બ્લોક હોવાનું સામે આવ્યું હતું. ડાબી બાજુ 100 ટકા અને જમણી બાજુ 75 ટકા બ્લોકેજ હોવાથી તબીબોએ બાયપાસ સર્જરી શક્ય ન હોવાનું જણાવ્યું હતું અને ત્યારથી તેમની દવાઓ ચાલુ હતી.
શનિવારે પરિવારના સામાજિક પ્રસંગે યોજાયેલી રમેલ દરમિયાન ધૂણતી વખતે તેમને ફરી હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલમાં તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. ચાલુ ધાર્મિક કાર્યક્રમમાં બનેલી આ દુઃખદ ઘટનાને પગલે અડિયા ગામ સહિત બારોટ સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ