
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો પરંપરાગત મેળો નજીક આવી રહ્યો છે, ત્યારે સરસ્વતી નદીમાં પાણી ન હોવાને કારણે ધાર્મિક મહત્ત્વ ધરાવતું તીર્થસ્થળ સૂકું જોવા મળી રહ્યું છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના પર્વે સરસ્વતી નદીના કિનારે યોજાતા મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને યાત્રાળુઓ ઉમટી પડે છે. આ દિવસે નદીમાં ત્રિવેણી સંગમનું ધાર્મિક મહત્ત્વ હોવાથી નદીમાં પાણી હોવું શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
આ મુદ્દે સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર-3ના કોર્પોરેટર તથા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડૉ. વિકાસ હસમુખભાઈ પ્રજાપતિએ 14 નવેમ્બર, 2026ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને પત્ર લખી સરસ્વતી નદીમાં પૂરતું પાણી છોડવાની માંગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે નદીમાં પાણી ન હોવાને કારણે મેળામાં આવતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ શકે છે તેમજ પવિત્ર તીર્થસ્થળની ગરિમા પણ જળવાતી નથી.
તેમણે મુખ્યમંત્રીને સંબંધિત જળસંપત્તિ વિભાગ અને વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી સરસ્વતી નદીમાં તાત્કાલિક પાણી છોડવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે. સરસ્વતી નદી લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હોવાથી કાર્તિકી પૂર્ણિમાના મેળા પહેલાં નદીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ધાર્મિક પરંપરા જળવાઈ રહેવાની સાથે દેશભરમાંથી આવતા યાત્રાળુઓને પણ ધાર્મિક વિધિઓ અને પવિત્ર સ્નાન માટે યોગ્ય સુવિધા મળી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ