રાજકોટના રેસકોર્સમાં આતશબાજી ટાણે વકીલના પુત્રનું ગળું પકડનાર પીઆઈ સામે ડીજીપીમાં રજૂઆત
રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ ખાતે આતશબાજીના કાર્યક્રમ દરમિયાન પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. મકવાણા દ્વારા એડવોકેટ ભરત જોબનપુત્રાના પુત્ર અર્પિતનું જાહેરમાં ગળું પકડીને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામ
પીઆઈ મકવાણા સામે ડીજીપીને ફરિયાદ


રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) :

રાજકોટના રેસકોર્સ ખાતે આતશબાજીના કાર્યક્રમ દરમિયાન પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. મકવાણા દ્વારા એડવોકેટ ભરત જોબનપુત્રાના પુત્ર અર્પિતનું જાહેરમાં ગળું પકડીને અપશબ્દો કહેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે પીઆઈ વિરુદ્ધ ડીજીપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ઘટના બાદ એડવોકેટ ભરતભાઈ પ્રનગર પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પીઆઈએ તેમની સાથે પણ ગેરવર્તન કરી થાય તે કરી લ્યો જેવા ઉદ્ધતાઈભર્યા શબ્દો કહ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે. પીઆઈના આવા અશોભનીય વર્તનને કારણે ભોગ બનનાર યુવકને છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલમાં એમ.એલ.સી. કરાવવામાં આવ્યું હતું.

આ વિવાદિત પીઆઈ મકવાણાના ભૂતકાળના વિવાદોની લાંબી યાદી પણ ડીજીપીને મોકલવામાં આવી છે. અગાઉ ખંભાળિયામાં ફરજ બજાવતી વખતે એડવોકેટ સંજય માતંગીની નેઈમ પ્લેટ ફેંકી દેવા મામલે વકીલોએ હડતાલ પાડી હતી, તેમજ જામ કલ્યાણપુર ખાતે નાગેશ્વર જ્યોતિર્લિંગના પૂજારી સાથે માથાકૂટ કરી હાઈકોર્ટના હુકમનો અનાદર કરવા અંગે કેસ પણ થયેલો છે. આ ઉપરાંત અગાઉ એક મહિલા દ્વારા પોલીસ કમિશનર સમક્ષ ગેરવર્તનની ફરિયાદ કરાઈ હોવાના પુરાવા પણ રજૂ કરાયા છે. અગાઉ રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

આ સમગ્ર પ્રકરણને લઈને વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે અને સ્નેહમિલન બાદ વકીલોની વિશેષ બેઠક યોજાવાની છે. સિનિયર એડવોકેટ અર્જુન પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વકીલ કે તેના પરિવાર સાથેનું આ અમાનવીય વર્તન ક્યારેય સહન કરવામાં આવશે નહીં અને જરૂર પડ્યે આ વિવાદને સીધો ગૃહમંત્રી સુધી પહોંચાડવામાં આવશે. બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પણ જણાવ્યું હતું કે યુવા વકીલોમાં ભારે આક્રોશ છે અને મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈને પોલીસ કમિશનરને રૂબરૂ મળીને કડક કાર્યવાહીની માંગણી કરશે.

કાયદાની મર્યાદામાં રહીને ફરજ બજાવવાની જવાબદારી બંને પક્ષની હોવા છતાં પોલીસ દ્વારા આ પ્રકારે સત્તાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનો સુર વકીલો દ્વારા વ્યક્ત કરાયો છે. ડીજીપી સમક્ષ કરવામાં આવેલી આ ગંભીર રજૂઆતના પગલે આગામી સમયમાં પોલીસ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. વકીલ સંગઠનો દ્વારા આ મામલે ન્યાય ન મળે ત્યાં સુધી ઉગ્ર લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande