
સુરત, 16 નવેમ્બર (હિ.સ.): સુરતના હરીપુરા વિસ્તારમાં લાલગેટ પોલીસે કાર્યવાહી કરીને 38 વર્ષીય રૂબીના યુનુસ ઉમર પઠાણ નામની મહિલાની MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે અલ બાગે રહેમાન એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફ્લેટમાં ડ્રગ્સનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે ફ્લેટ નંબર 501માં દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન મહિલાની લેડીઝ બેગમાંથી 61.780 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે ₹1.85 લાખ થાય છે. આ ઉપરાંત ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની નાની થેલીઓ, ચમચી, પારદર્શક ડબ્બો, બે મોબાઈલ ફોન અને ₹15,500 રોકડા મળી કુલ ₹2,33,940નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર યોગેશ રેપ અને અન્ય એક અજાણ્યા વ્યક્તિની સંડોવણી સામે આવી છે. બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ડ્રગ્સના સપ્લાય નેટવર્ક અને ફરાર આરોપીઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે