
- ઘરવખરીના સામાનની આડસમાં હેરાફેરી કરતા એલસીબી ત્રાટકી : કુલ ૬.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે.
જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : ધ્રોલના માવાપર પાટીયાથી લતીપર ગૌશાળા પહેલા દારૂ-બીયરની હેરાફેરી કરતા શખ્સો અંગે માહિતી મળતા એલસીબીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શરાબની ૩૩પ બોટલ અને બીયરના ૩૩પ ટીન તેમજ ઘરવખરીનો સરસામાન બોલેરો પીકઅપમાંથી મળી આવ્યો હતો, આરોપીઓ વાહન મુકીને નાસી ગયા હતા.
જામનગર એલસીબી પીઆઇ ચૌધરીની સૂચનાથી દારૂ-જુગારના કેસ શોધી કાઢવા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બોલેરો પીકઅપ વાહનમાં હેરાફેરી થાય છે એવી બાતમીના આધારે કાર્યવાહી આગળ ધપાવી હતી, દરમ્યાન ધ્રોલના માવાપર પાટીયાથી લતીપર ગૌશાળા પહેલા રોડની સાઇડમાં બોલેરો પીકઅપ વાહન નં. જી.જે.૬.ઝેડઝેડ.૯૭૯૯ બેફીકરાઇથી ચલાવી આરોપી દ્વારા ઘરવખરીના સામાનની આડસમાં વિદેશી દારૂ અને બીયરની વેંચાણ અર્થે હેરાફેરી કરતા હોય, આથી દરોડો પાડ્યો હતો.
દરોડા દરમ્યાન ૩૩પ દારૂની બોટલો તથા નાની બોટલો ૪૮ અને બીયરના ૩૩પ ટીન અને સરસામાન તેમજ બોલેરો પીકઅપ મળી કુલ ૬,૪૧,૮૧પ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ વાહન મુકીને નાસી ગયા હતા, આ અંગે એલસીબીના કોન્સ્ટેબલ મયુરસિંહ પરમાર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બોલેરો પીકઅપ વાહનના ડ્રાઇવર/માલિક અને તપાસમાં જે ખુલ્લે એની સામે પ્રોહીબીશન અને એમવી એકટ મુજબ ફરિયાદ દાખલ કરીને તપાસ ધ્રોલ પોલીસને સોંપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt