રાજકોટ મનપાના દીવાળી કાર્નિવલ આયોજનમાં બચેલા રૂ.90 લાખથી 8200 કર્મચારીઓને રૂ.1000 નું ટોકન પ્રોત્સાહન અપાશે
રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીવાળીના તહેવારો દરમિયાન આયોજિત કાર્નિવલ અને અન્ય કાર્યક્રમોમાં કરકસર દાખવીને ઉત્તમ વહીવટી કૌશલ્યનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં આ પ્રકારના આયોજનો પાછળ સરેરાશ રૂા. ૧.૯૦ કર
દિવાળી કાર્નિવલની બચત કર્મચારીઓને સમર્પિત


રાજકોટ, 16 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીવાળીના તહેવારો દરમિયાન આયોજિત કાર્નિવલ અને અન્ય કાર્યક્રમોમાં કરકસર દાખવીને ઉત્તમ વહીવટી કૌશલ્યનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં આ પ્રકારના આયોજનો પાછળ સરેરાશ રૂા. ૧.૯૦ કરોડનો ખર્ચ થતો હતો, પરંતુ ચાલુ વર્ષે વહીવટી તંત્રની કુશળતાને કારણે રૂા. ૯૦ લાખની માતબર બચત થઈ છે. આ બચત થયેલી રકમમાં અન્ય ભંડોળ ઉમેરી કુલ રૂા. ૧ કરોડની રકમ તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત લોકહિત અને સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યોમાં વાપરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજનાના ભાગરૂપે રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ સહિત કુલ ૮૨૦૦ મનપા કર્મચારીઓને પ્રોત્સાહક ભેટ સ્વરૂપે રૂા. એક-એક હજારનું ટોકન અર્પણ કરવામાં આવશે. કર્મચારીઓની નિષ્ઠા અને સમર્પણને બિરદાવવા માટેની આ પહેલ ખૂબ જ સરાહનીય છે. આ ઉપરાંત, શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી ગૌશાળાઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને પણ રૂા. ૧૮ થી ૨૦ લાખની આર્થિક સહાય ફાળવવામાં આવશે, જેથી તેમની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળી શકે.

મેયર ડો. નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે શહેરી વિકાસના અન્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડતા જણાવવામાં આવ્યું હતું કે, નવા વર્ષમાં રોડ અને રસ્તાના રૂા. ૧૭૦ કરોડના વિકાસ કાર્યો હાલ પ્રગતિમાં છે અને આગામી ૩૧ ડિસેમ્બર સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવાનો મનપા દ્વારા સ્પષ્ટ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોમાં થતી ભેળસેળ સામેની ઝુંબેશ નવા વર્ષમાં પણ આક્રમક રીતે ચાલુ રાખવામાં આવશે. પારદર્શક વહીવટ, આર્થિક કરકસર અને લોકકલ્યાણની આ પહેલથી રાજકોટ મહાનગરપાલિકાએ સુશાસનનું એક ઉત્તમ તેમજ અનુકરણીય દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે, જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande