લાઠીદડ નજીક અકસ્માતમાં ઘાયલ યુવકનો કિંમતી સામાન 108ની ટીમે પરિવારને પરત કર્યો
બોટાદ, 16 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના લાઠીદડ નજીક સર્જાયેલા બાઈક અકસ્માતમાં ઘાયલ યુવકને સમયસર સારવાર પહોંચાડવાની સાથે 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અકસ્માત બાદ યુવક પાસેથી મળી આવેલી રોકડ રકમ, મોબાઇલ ફોન
પ્રમાણિકતા નું ઉદાહરણ


બોટાદ, 16 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના લાઠીદડ નજીક સર્જાયેલા બાઈક અકસ્માતમાં ઘાયલ યુવકને સમયસર સારવાર પહોંચાડવાની સાથે 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અકસ્માત બાદ યુવક પાસેથી મળી આવેલી રોકડ રકમ, મોબાઇલ ફોન અને જરૂરી દસ્તાવેજો સુરક્ષિત રાખી પરિવારજનોને પરત સોંપવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, લાઠીદડ નજીક બાઈક અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ બોટાદ ICU કેસમાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સના પાયલોટ કરમશીભાઈ અને ઇએમટી મહેન્દ્રસિંહ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને કર્મચારીઓએ ઘાયલ યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સાંગણપુરની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

દરમિયાન યુવકની અંગત ચીજવસ્તુઓ તપાસતાં આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન, 1174 રૂપિયા રોકડા, જરૂરી દસ્તાવેજો અને મોટરસાઇકલની ચાવી મળી આવી હતી. 108ની ટીમે તમામ સામાન સુરક્ષિત રાખી પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

પરિવારજનો હોસ્પિટલ પહોંચતાં તેમની હાજરીમાં રોકડ રકમ સહિત તમામ કિંમતી સામાન પરત સોંપવામાં આવ્યો હતો. ફરજ સાથે માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડનાર 108ના કર્મચારીઓની કામગીરીની સરાહના થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande