પરમાત્મા, પ્રાણ અને પ્રકૃતિનું જોડાણ જ સાચું સુખ આપી શકે : વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા
ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) : ઈશ્વરિયા ગામે લાભ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદ, યોગ, પ્રકૃતિ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હત
આયુર્વેદ કથા


ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) : ઈશ્વરિયા ગામે લાભ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આયુર્વેદ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદ, યોગ, પ્રકૃતિ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પરમાત્મા, પ્રાણ અને પ્રકૃતિનું જોડાણ જ જીવનમાં સાચું સુખ આપી શકે છે.

વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં માનસિક તણાવ અને વિવિધ બીમારીઓ વધી રહી છે ત્યારે ભારતીય આયુર્વેદ જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અસરકારક માર્ગ છે. પરમાત્માના નામનું સ્મરણ, પ્રકૃતિના સંરક્ષણ માટે વૃક્ષારોપણ, ગાય પ્રત્યે પ્રેમ અને પ્રાણ સાથે મૈત્રી જીવનને સુખમય બનાવી શકે છે.

તેમણે ગામડાંમાં ઉપલબ્ધ ઘરેલું ઔષધિઓનો ઉપયોગ, ઝેરમુક્ત ખેતી અને શુદ્ધ ખોરાક પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ વ્યસનોથી દૂર રહેવા ભાર મૂક્યો હતો. શરીરનું સ્વાસ્થ્ય, મનની પ્રસન્નતા અને આત્માના આનંદ અંગે સરળ ઉદાહરણો સાથે સમજણ આપી હતી.

કાર્યક્રમના સંકલ્પકર્તા અને પતંજલિ પરિવાર સાથે જોડાયેલા દિલીપસિંહ સોલંકીએ આયોજનનો હેતુ સમજાવી સૌનું સ્વાગત કર્યું હતું. સુરત સ્થિત તબીબ મહેન્દ્ર વઘાસિયાએ પણ આરોગ્ય અને વિવિધ સારવાર પદ્ધતિઓમાં આયુર્વેદનું મહત્ત્વ સમજાવ્યું હતું.

કાર્યકર્તા મૂકેશ પંડિતે આભારવિધિ કરી હતી. છત્રપાલસિંહ સોલંકીએ સ્વાગત અને સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં ભાવનગર બોરતળાવ યોગ કક્ષાના કાર્યકરો, ગ્રામજનો અને સ્થાનિક યુવાનો જોડાયા હતા. આયોજનમાં અભેશંગભાઈ પરમાર, હાજાભાઈ ગોહિલ, પોપટભાઈ મકવાણા અને સંજયભાઈ સોલંકીએ સહયોગ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande