
પોરબંદર , 16 નવેમ્બર (હિ.સ.) : બોખીરા ત્રણ માઇલ પાસે દ્વારકા-સોમનાથ હાઇવે પર બ્રિજ નીચેથી ઉતરતા માર્ગે ટ્રકચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા મોટરસાઇકલ પર જઇ રહેલા કાકા-ભત્રીજીને અડફેટે લીધા હતા.અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.રીણાવાડા વાડી વિસ્તારમાં રહેતા કરશન બાબરભાઈ મોઢવાડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની ભત્રીજી સાથે પોરબંદર ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી કરીને મોટરસાઇકલ પર પરત જતી વખતે બોખીરા ત્રણ માઇલ પાસે દ્વારકા-સોમનાથ હાઇવે પર બ્રિજ નીચેથી ઉતરતા માર્ગે અજાણ્યા ટ્રકચાલકે પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી તેમની મોટરસાઇકલને અડફેટે લીધી હતી.અકસ્મતમાં ફરિયાદીને માથાના ડાબા ભાગે ગંભીર ઇજા તથા છાતીના ડાબા ભાગે મૂઢમાર વાગ્યો હતો.જ્યારે તેમની ભત્રીજીને કપાળના ભાગે ગંભીર ઇજા અને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya