કાલાવડ તાલુકાના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
જામનગર એસઓજીનો દરોડો: ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર જપ્ત. જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી
ભેળસેળ યુક્ત દુધનો જથ્થો


- જામનગર એસઓજીનો દરોડો: ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર જપ્ત.

જામનગર, 16 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી ભેળસેળયુક્ત દૂધ બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર કબજે કર્યો છે. ઘટનાની જાણ થતાં ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી નમૂના લીધા હતા અને શંકાસ્પદ જથ્થાનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ એસઓજી પી.આઈ. વી.જે. રાઠોડ તથા પીએસઆઈ એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એસઓજીના જવાનો બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે હરિપર મેવાસા ગામના રબારીવાસમાં રહેતા મેરૂભાઈ બધાભાઈ વંશ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરી રહ્યા છે.

બાતમીના આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડતાં ત્યાં વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના ઉપયોગથી શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી આશરે ૪૮૬ લિટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૪૪ કિલો દૂધનો પાવડર મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો હતો.

બનાવ અંગે એસઓજી દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવતાં ફૂડ સેફ્ટી ઓફિસર સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓએ શંકાસ્પદ દૂધના નમૂના લઈ સીલબંધ કર્યા હતા અને ત્યારબાદ પકડાયેલા શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા પાવડરના જથ્થાનો યોગ્ય પદ્ધતિથી સ્થળ પર જ નાશ કર્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગે મેરૂભાઈ વંશ સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ હરિપર મેવાસા ગામમાંથી ભેળસેળયુક્ત દૂધનો મોટો જથ્થો ઝડપાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande