
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). અરુણાચલ પ્રદેશના નામસાઈ સ્થિત ગોલ્ડન પેગોડામાં, ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિઓના દર્શન માટે પ્રથમ બે દિવસમાં 12 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા. સાથે જ તવાંગ, બોમડિલા અને નામસાઈમાં આયોજિત પ્રદર્શનમાં 15 નવેમ્બર સુધી શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા 78 હજારથી વધુ થઈ ગઈ. નામસાઈમાં પવિત્ર અસ્થિઓના દર્શન 20 નવેમ્બર સુધી સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કરી શકાશે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નામસાઈમાં 14 અને 15 નવેમ્બરે 12 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અસ્થિઓના દર્શન કર્યા. આ પહેલા તવાંગમાં 31 હજારથી વધુ અને બોમડિલામાં 35 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. નામસાઈમાં પ્રદર્શન ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિઓનું અરુણાચલ પ્રદેશમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું પ્રદર્શન છે. આ આયોજન 31 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી કરવામાં આવી રહ્યું છે.
પવિત્ર અસ્થિઓ 14 નવેમ્બરે નામસાઈ પહોંચ્યા અને ગોલ્ડન પેગોડા (કોંગમુ ખામ) માં વિધિવત સ્થાપિત કરવામાં આવ્યા. અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક (નિવૃત્ત) એ નાયબ મુખ્યમંત્રી ચાઉના મેન અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના મહાનિદેશક રાઘવ પ્રસાદ ભટનાગરની ઉપસ્થિતિમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, બૌદ્ધ ભિક્ષુઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિસ્તાર મુજબ દર્શન કાર્યક્રમ જાહેર કર્યો છે. આ અંતર્ગત 16 નવેમ્બરે લાથાઓ અને નામસાઈ સર્કલ, 17 નવેમ્બરે પિયોંગ અને લેકાંગ સર્કલના શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. 18 નવેમ્બરે ચાંગલાંગ, જયરામપુર, બોર્ડુમસા, મિયાઓ, દિયુન, તિરાપ અને લોંગડિંગના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. 19 નવેમ્બરે મેચુકા, તૂતિંગ, ગેલિંગ, તેજુ, અંજાવ (મેયોર), લોઅર દિબાંગ વેલી અને સંરક્ષણ કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 20 નવેમ્બરે અસમ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ તથા અગાઉના દિવસોમાં દર્શન ન કરી શકેલા લોકો અસ્થિઓના દર્શન કરી શકશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, પવિત્ર અસ્થિઓ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સુરક્ષિત છે. આ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના પિપરહવા ખાતેથી પ્રાપ્ત થયા હતા. આ સ્થળ પ્રાચીન કપિલવસ્તુ અને શાક્ય પરંપરા સાથે જોડાયેલું છે. આ અસ્થિઓનું ઐતિહાસિક, પુરાતત્વીય અને આધ્યાત્મિક મહત્વ છે. અરુણાચલ પ્રદેશમાં 13 વર્ષના અંતરાલ બાદ આ પ્રદર્શન આયોજિત કરવામાં આવી રહ્યું છે.
તવાંગમાં 31 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી ગાદેન નામગ્યાલ લ્હાત્સે મઠમાં પ્રદર્શન યોજાયું હતું. ત્યારબાદ 8 થી 13 નવેમ્બર સુધી બોમડિલાના થુબચોગ ગત્સેલ લિંગ મઠમાં શ્રદ્ધાળુઓએ અસ્થિઓના દર્શન કર્યા. તવાંગ અને બોમડિલામાં અનુક્રમે મહાયાન અને વજ્રયાન બૌદ્ધ પરંપરાઓનો પ્રભાવ છે, જ્યારે નામસાઈ થેરવાદ બૌદ્ધ વારસાનું મુખ્ય કેન્દ્ર છે.
ગોલ્ડન પેગોડાના ધ્યાન કેન્દ્રમાં રાષ્ટ્રીય સંગ્રહાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ તરફથી બે વિશેષ પ્રદર્શનો પણ લગાવવામાં આવ્યા છે. જેમાં ‘અનઅર્થિંગ ધ સેક્રેડ પિપરહવા : ધ સ્ટોરી ઓફ ધ હોલી બુદ્ધા રેલિક્સ એન્ડ ધેર ડિસ્કવરી’ ના માધ્યમથી પિપરહવાની શોધ, પુરાતત્વીય ઉત્ખનન અને પવિત્ર અવશેષોના ઇતિહાસને દર્શાવવામાં આવ્યો છે. આમાં પિપરહવાના બહુમૂલ્ય રત્ન સંગ્રહની ભારત વાપસીની જાણકારી પણ આપવામાં આવી છે. આ સંગ્રહ 2025 માં એક સદીથી વધુ સમય બાદ ભારત પરત ફર્યો હતો. બીજું પ્રદર્શન ‘ક્રોસરોડ્સ ઓફ ધમ્મા : ક્લાસિકલ લેગેસીસ, લિવિંગ આર્ટ એન્ડ એન્થ્રોપોલોજિકલ પર્સ્પેક્ટિવ્સ’ બૌદ્ધ કલા, સંસ્કૃતિ અને જીવંત પરંપરાઓ પર કેન્દ્રિત છે.
પ્રદર્શનનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય, અરુણાચલ પ્રદેશ સરકાર, રાષ્ટ્રીય સંગ્રહાલય અને નવી દિલ્હી સ્થિત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. 20 નવેમ્બરે નામસાઈમાં દર્શન સંપન્ન થયા બાદ પવિત્ર અસ્થિઓને 21 નવેમ્બરે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પરત લઈ જવાનો કાર્યક્રમ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ