પંજાબના કૃષિ ક્ષેત્રને કેન્દ્ર સરકારે 352.64 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાત નવી પરિયોજનાઓને મંજૂરી આપી મોહાલી, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, પંજાબના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે 352.64 કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહ
ખેડૂતોને સંબોધિત કરી રહેલા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ


- કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાત નવી પરિયોજનાઓને મંજૂરી આપી

મોહાલી, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, પંજાબના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે 352.64 કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહેરાત કરી છે. આમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ 254.20 કરોડ રૂપિયા અને 98.44 કરોડ રૂપિયાની સાત નવી પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. મોહાલી જિલ્લાના ગામ બડાપુરમાં આયોજિત 'ખેતર બચાવો અભિયાન' કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પંજાબના કૃષિ મંત્રી ગુરમીત સિંહ ખુડ્ડિયનને સ્વીકૃતિ પત્ર સોંપ્યો.

આ પ્રસંગે તેમણે કહ્યું કે, રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના કલ્યાણ માટે મળીને કામ કરવું જોઈએ. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સરકારો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ ખેડૂતોની સેવા કરવી એ સૌની સહિયારી જવાબદારી છે. મંજૂર કરાયેલી રકમથી કૃષિ ઉત્પાદન વધારવા, પાયાની સુવિધાઓને મજબૂત કરવા અને પ્રદેશના કૃષિ વિકાસને વેગ આપવામાં મદદ મળશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખાતરની કાળાબજારી અને ખેડૂતોને જબરદસ્તીથી અન્ય ઉત્પાદનો વેચવાના કિસ્સાઓ પર કડક વલણ અપનાવ્યું. તેમણે ચેતવણી આપી કે, ખાતરની કાળાબજારી કરનારા અને અનધિકૃત રીતે બીજા ઉત્પાદનોની ખરીદી માટે મજબૂર કરનારા વિક્રેતાઓને જેલમાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકાર મોંઘા દરે ખાતર આયાત કરીને ખેડૂતોને ભારે સબસિડી પર ઉપલબ્ધ કરાવે છે. એવામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે, નકલી બિયારણ, હલકી ગુણવત્તાની જંતુનાશકો અને નકલી ખાતરનું વેચાણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર નવો કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે દેશભરના ખેડૂતો અને કૃષિ નિષ્ણાતો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડવા માટે દેશભરમાં 10 હજાર હેક્ટર વિસ્તારમાં હરિત એમોનિયાનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે પોતાની મુલાકાત દરમિયાન આ ટેકનોલોજીનું પ્રત્યક્ષ પ્રદર્શન પણ જોયું. તેમણે ખેડૂતોને અપીલ કરી કે યુરિયા અને ડીએપીનો અતિશય ઉપયોગ કરવાને બદલે જમીનની તપાસ કરાવીને જરૂરિયાત મુજબ જ ખાતરનો પ્રયોગ કરે. તેમણે કહ્યું કે રાસાયણિક ખાતરોના અવિજ્ઞાનિક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા પ્રભાવિત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ પંજાબના ખેડૂતોને ઘઉં અને ડાંગરના પરંપરાગત પાક ચક્રમાંથી બહાર નીકળીને કૃષિ વૈવિધ્યકરણ અપનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, નાના અને સીમાંત ખેડૂતો ખેતીની સાથે બાગાયત, ડેરી, મત્સ્ય પાલન, મરઘા પાલન, બકરા પાલન, મશરૂમ ઉત્પાદન અને મધમાખી પાલન જેવા વ્યવસાયો અપનાવીને પોતાની આવક વધારી શકે છે.

તેમણે જણાવ્યું કે, આગામી કેન્દ્રીય અંદાજપત્રમાં સંકલિત ખેતી સાથે જોડાયેલી વધુ પરિયોજનાઓનો સમાવેશ કરવાની યોજના છે, જેથી ખેડૂતોને વર્ષભર આવકના વધારાના સાધનો ઉપલબ્ધ થઈ શકે. પરાળી બાળવાની ઘટનાઓમાં ઘટાડા બદલ પંજાબના ખેડૂતોની પ્રશંસા શિવરાજ સિંહ ચૌહાણે પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓમાં ઘટાડો લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે વિશેષ રૂપે ખેડૂત ભૂપિન્દર સિંહની પ્રશંસા કરી, જે પરાળી બાળવાને બદલે પાકના અવશેષોને જમીનમાં ભેળવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, પંજાબના જવાનોએ દેશની સરહદોની રક્ષા કરી છે, જ્યારે અહીંના ખેડૂતોએ હરિત ક્રાંતિ દરમિયાન પોતાની મહેનતથી દેશના અનાજ ભંડાર ભર્યા છે.

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ પ્રગતિશીલ ખેડૂતો સાથે વાતચીત કરી અને જૈવિક ખેતી, ડેરી ઉત્પાદન, મધમાખી પાલન તથા અળસિયાનું ખાતર બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે અધિકારીઓને રાષ્ટ્રીય મધમાખી બોર્ડની વિશેષ બેઠક બોલાવવાના નિર્દેશ આપ્યા, જેથી મધ ઉત્પાદકોની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય. આ સાથે જ જૈવિક ઉત્પાદનોના પ્રમાણીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા પર પણ ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / ગુરશરણ સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande