
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.). સર્વોચ્ચ અદાલતે મંગળવારે જણાવ્યું કે, જોધપુર દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવા અને આજીવન કેદની સજાને યથાવત રાખનારા રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયના આદેશને પડકારતી આસારામની અરજી પર શિયાળુ વેકેશન પછી સુનાવણી થશે. જસ્ટિસ જેબી પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચે એ બાબતની નોંધ લીધી કે આસારામે 26 ઓક્ટોબરે પોતાની પેરોલ પૂર્ણ થવા પર આ કેસમાં અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
ન્યાયાલયે 30 જૂને રાજસ્થાન સરકારને નોટિસ પાઠવી હતી. સર્વોચ્ચ અદાલતે આસારામ બાપુને મળેલી સજા મોકૂફ રાખવાનો ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે આસારામને જેલમાં મળી રહેલી તબીબી સુવિધા ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે તેઓ જામીન આપવા પર ત્યારે જ વિચાર કરશે જ્યારે સ્વાસ્થ્યને લઈને ગંભીર જોખમ હોય.
આસારામ છેલ્લા આશરે 11 વર્ષથી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે અને અનેક વખત તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જાતીય સતામણીના આરોપમાં આસારામની 2013માં ધરપકડ કરવામાં આવી હતી. 20 ઓગસ્ટ 2013ના રોજ તેમની વિરુદ્ધ જોધપુર આશ્રમમાં જાતીય શોષણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરતની બે બહેનોએ પણ 2001માં આશ્રમમાં દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર /સંજય / વીરેન્દ્ર સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ