
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અને આસિયાનની ભાગીદારી હવે સહિયારી સંસ્કૃતિ અને વારસાથી આગળ વધીને ડિજિટલ, સંરક્ષણ અને અવકાશ જેવા ક્ષેત્રોમાં નવા આયામો હાંસલ કરી રહી છે. તેમણે કહ્યું કે ભારત અને આસિયાન મળીને વિશ્વની લગભગ ચોથા ભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ ક્ષેત્રનું ભવિષ્ય સ્પર્ધાને બદલે સહયોગથી નક્કી થાય.
મોદીએ ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં 23મા આસિયાન-ભારત શિખર સંમેલનની શરૂઆતમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, પાછલા વર્ષોમાં ભારતની ‘એક્ટ ઈસ્ટ નીતિ’એ ભારત-આસિયાન સંબંધોને નવી ગતિ અને ઊંડાણ આપ્યું છે. તેમણે આસિયાનના સફળ અધ્યક્ષપદ અને ભારતના દેશ સંયોજક તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ માર્કોસને અભિનંદન અને આભાર પાઠવ્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આસિયાન નેતાઓ સાથે આ સ્વરૂપમાં આ તેમનો 13મો સંવાદ છે. વર્ષ 2014 થી અત્યાર સુધી લોકો વચ્ચે સંપર્ક મજબૂત કરવા માટે 100 થી વધુ પહેલ કરવામાં આવી છે, લગભગ 250 ત્વરિત પ્રભાવ ધરાવતી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને કૌશલ્ય વિકાસ માટે 10 હજારથી વધુ શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારત અને આસિયાનના નવ દેશો વચ્ચે સીધી વિમાન સેવાઓ તથા પ્રવાસનમાં વધારો પણ બંને પક્ષો વચ્ચે વધતી નિકટતાનું પ્રમાણ છે.
મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વ એક પછી એક અનેક સંકટોમાંથી પસાર થયું છે. આવા સમયે વિશ્વને સૌથી વધુ શાંતિ, સ્થિરતા અને પૂર્વાનુમાનક્ષમતાની જરૂર છે. આ સંદર્ભમાં આ વર્ષના શિખર સંમેલનનો વિષય ‘આપણા ભવિષ્યની રાહ સાથે મળીને નક્કી કરવી’ વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે, ભારત અને આસિયાન પાસે આ ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાનું પ્રતીક બનાવવાની ક્ષમતા અને સંકલ્પ બંને છે. બંને પક્ષોએ મળીને એવું ભવિષ્ય સુનિશ્ચિત કરવું જોઈએ, જે સ્પર્ધાને બદલે સહયોગ પર આધારિત હોય.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ વર્ષે આસિયાન દેશોની આ તેમની ત્રીજી મુલાકાત છે, જે ભારત માટે આ સંગઠનનું વિશેષ મહત્વ દર્શાવે છે. ભારતનું માનવું છે કે તેનો વિકાસ અને આસિયાનની સમૃદ્ધિ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં આસિયાન સમુદાય દ્રષ્ટિકોણ-2045 અને વિકસિત ભારત-2047 બંને પક્ષોની સહિયારી આકાંક્ષાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
મોદીએ કહ્યું કે, છેલ્લા 12 વર્ષોમાં ભારત અને આસિયાનએ પોતાની ભાગીદારીને નવી ગતિ આપી છે અને હવે મળીને ક્ષેત્રના ભવિષ્યને નવી દિશા આપવાનો સમય છે. આ ભાગીદારીમાં આસિયાનની એકતા અને કેન્દ્રીય ભૂમિકા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અટલ છે અને આગળ પણ જળવાઈ રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, શિખર સંમેલન ભારત-આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ પ્રદાન કરશે અને એક સુરક્ષિત, સર્વસમાવેશક તથા સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ બેઠકમાં તમામ નેતાઓના વિચારો અને સૂચનો સાંભળવા માટે આતુર છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ