ટિહરીમાં રોડથી 100 મીટર નીચે ખીણમાં પડી મુસાફર બસ, આઠનાં મોત, 26 ઘાયલ
હરિદ્વારથી ચમોલી જઈ રહી હતી બસ, ગૂલર પુલ પાસે સવારે 4:30 વાગ્યે અકસ્માત -એસડીઆરએફ દ્વારા દુર્ગમ રસ્તેથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયા દેહરાદૂન, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.)। ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં મંગળવારે વહેલી સવારે માર્ગ અકસ્માતમાં આઠ લોક
બસ ખાઈમાં પડી


-હરિદ્વારથી ચમોલી જઈ રહી હતી બસ, ગૂલર પુલ પાસે સવારે 4:30 વાગ્યે અકસ્માત -એસડીઆરએફ દ્વારા દુર્ગમ રસ્તેથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયા

દેહરાદૂન, નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.)। ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં મંગળવારે વહેલી સવારે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 26 લોકો ઘાયલ થયા હતા. હરિદ્વારથી ચમોલી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ ગૂલર બજાર પાસે અનિયંત્રિત થઈને ગૂલર પુલથી આશરે 100 મીટર નીચે કોતરમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતા જ એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક લોકોએ સંયુક્ત રીતે રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું.

એસડીઆરએફના જણાવ્યા અનુસાર, અકસ્માત મંગળવારે સવારે આશરે 4:30 વાગ્યે થયો હતો. બસ હરિદ્વારથી ચમોલી જઈ રહી હતી. અકસ્માતની માહિતી મળતા જ બ્યાસી સ્થિત એસડીઆરએફ પોસ્ટથી સબ-ઇન્સ્પેક્ટર સાવર સિંહના નેતૃત્વમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

અકસ્માતની ગંભીરતાને જોતા એસડીઆરએફ સેનાનાયક અર્પણ યદુવંશીના નિર્દેશ પર ઢાલવાલા પોસ્ટ અને વાહિની મુખ્ય મથકથી વધારાની ટીમો પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. નિરીક્ષક કવિન્દ્ર સજવાણના નેતૃત્વમાં બચાવ દળે દુર્ગમ ભૂપ્રદેશ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે અભિયાન ચલાવ્યું હતું.

એસડીઆરએફના જવાનોએ બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. કુલ 26 ઘાયલોને સ્ટ્રેચરની મદદથી દુર્ગમ રસ્તેથી રોડ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા આઠ લોકોના મૃતદેહ પણ બસમાંથી કાઢીને રોડ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ મોકલાયા હતા.

બચાવ દળોએ ઘટનાસ્થળ અને આસપાસના સંભવિત વિસ્તારોમાં પણ સઘન શોધ અભિયાન ચલાવ્યું હતું. પોલીસ, વહીવટીતંત્ર, અન્ય બચાવ એજન્સીઓ અને સ્થાનિક લોકોના સંકલિત પ્રયાસોથી રાહત અને બચાવ અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડે / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande