

પોરબંદર, 02 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, પોરબંદર અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર
સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ રાણાવાવ તાલુકાના વાડોત્રા ગામે ખાતે ખેત બચાવો
અભિયાન અંતર્ગત કાર્યક્રમ તથા જિલ્લા આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ સખી પ્રભાબેન કારેણા
દ્વારા ઉપસ્થિત ખેડૂત ભાઈઓ-બહેનોને પ્રાકૃતિક કૃષિના મહત્વ અને તેના ફાયદાઓ અંગે
વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ ખીરસરા ક્લસ્ટરના વાડોત્રા ગામના કોમ્યુનિટી
રિસોર્સ પર્સન (CRP) પ્રકાશભાઈ પરમાર દ્વારા પ્રાકૃતિક
કૃષિના વિવિધ આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન અંગે ખેડૂતોને
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર
ભરતભાઈ ગૌસ્વામી દ્વારા પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી અસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્કની બનાવટ
તથા ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેત બચાવો અભિયાન
અંતર્ગતપાળાબંધી, સંકલિત પોષકતત્ત્વ વ્યવસ્થાપન, જમીનની ફળદ્રુપતા જાળવવી, જમીનનું ધોવાણ અટકાવવું, જમીનમાં ભેજનું સંરક્ષણ કરવું, પાકને જીવાતોથી સુરક્ષિત રાખવો તેમજ
પાણીનો બગાડ અટકાવવા જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.
વધુમાં, જમીન અને જળ સંરક્ષણ માટે સ્થાનિક સ્તરે ઉદભવતી સમસ્યાઓના ઉકેલ અંગે
પણ સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી
અપનાવે તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરે તેવો અનુરોધ કરવામાં
આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya