'બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 297 મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું
''પિંક ઓક્ટોબર'' અંતર્ગત 35 વર્ષથી ઓછી ઉંમરની 116 યુવતીઓનું સ્ક્રીનિંગ: 2 માં શંકાસ્પદ લક્ષણો મળતાં બાયોપ્સીની સલાહ. અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : સ્તન કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ વધારવા અને રોગની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર શરૂ કરી શકાય તેવા ઉ
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ


- 'પિંક ઓક્ટોબર' અંતર્ગત 35 વર્ષથી ઓછી ઉંમરની 116 યુવતીઓનું સ્ક્રીનિંગ: 2 માં શંકાસ્પદ લક્ષણો મળતાં બાયોપ્સીની સલાહ.

અમદાવાદ, 02 નવેમ્બર (હિ.સ.) : સ્તન કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ વધારવા અને રોગની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર શરૂ કરી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે ઓક્ટોબર 1 થી ઓક્ટોબર 31 દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે 'પિંક ઓક્ટોબર' અથવા 'બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' તરીકે મનાવવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનનો હેતુ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, તબીબી સંશોધનો માટે પ્રોત્સાહન આપવાનો અને સમયસર નિદાન પર ભાર મૂકવાનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ 2026 માટે આ વૈશ્વિક અભિયાનની થીમ Every story is unique, every journey matters (દરેક વાર્તા અજોડ છે, દરેક યાત્રા મહત્વપૂર્ણ છે) નિર્ધારિત કરવામાં આવી છે, જે વ્યક્તિગત અનુભવોને ઉજાગર કરે છે અને ગુણવત્તાસભર સારવાર સુધી સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે.

આ વૈશ્વિક અભિયાનની ભાવનાને અનુસરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ’ અંતર્ગત ઓક્ટોબર મહિનામાં વિશેષ સ્તન તપાસ (સ્ક્રીનિંગ) ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ૨૮થી ૭૧ વર્ષની વયજૂથની કુલ ૨૯૭ મહિલાઓની મેમોગ્રાફી અને સોનોગ્રાફી તપાસ કરવામાં આવી હતી.

સ્ક્રીનિંગના મુખ્ય તારણો અને આંકડાકીય વિગત આપતા સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડૉ. શીતલ પટેલે જણાવ્યું હતું કે તપાસ કરાયેલી 297 મહિલાઓમાં 40 વર્ષથી ઓછી ઉંમરની 49 અને 40 વર્ષથી વધુ ઉંમરની 248 મહિલાઓ સામેલ હતી, જેમાંથી કુલ 297 મહિલાઓમાંથી 211 મહિલાઓની મેમોગ્રાફી અને સોનોગ્રાફી બંને કરવામાં આવી હતી, 77 મહિલાઓની માત્ર મેમોગ્રાફી કરવામાં આવી, જ્યારે 9 મહિલાઓની માત્ર સોનોગ્રાફી તપાસ કરવામાં આવી.

મેમોગ્રાફી કરવામાં આવેલ 288 મહિલાઓમાંથી,

- 265 મહિલાઓના રિપોર્ટ સામાન્ય અથવા ઓછા જોખમવાળા નોંધાયા.

- 23 મહિલાઓમાં શંકાસ્પદ ગાંઠ કે ફેરફાર જણાતાં તેમને આગળની તપાસ અને બાયોપ્સી માટે રેફર કરાઈ.

- 23 પૈકી 5 મહિલાઓની બાયોપ્સી પૂર્ણ થઈ છે, જેમાંથી ૨ મહિલાઓના રિપોર્ટ બિન-કેન્સરગ્રસ્ત (Benign) આવ્યા છે, જ્યારે ૩ના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બાકીની 18 મહિલાઓને બાયોપ્સી કરાવવા કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે.

માત્ર સોનોગ્રાફી તપાસ કરવામાં આવેલ 9 મહિલાઓથી 2 મહિલાના તપાસ પરિણામો શંકાસ્પદ જણાતા તેમને વધુ તપાસ માટે બાયોપ્સી કરાવવાની સલાહ આપવામાં આવી છે.

યુવા મહિલાઓમાં સ્ક્રીનિંગનું વિશેષ મહત્વ છે, ત્યારે આ અભિયાન દરમિયાન 35 વર્ષથી ઓછી વયની 116 મહિલાઓની સોનોગ્રાફી કરવામાં આવી હતી. આ પૈકી 2 યુવતીઓમાં પણ શંકાસ્પદ લક્ષણો મળતાં તેમને બાયોપ્સી કરાવવા સૂચન કરાયું છે. સામાન્ય રીતે નાની ઉંમરે સોનોગ્રાફી અને જરૂરિયાત મુજબ વય તથા જોખમી પરિબળોને આધારે મેમોગ્રાફી પસંદ કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી અને રેડિયોલોજી વડા ડૉ. શીતલ પટેલએ જણાવ્યું કે, સ્તન કેન્સરના શરૂઆતના તબક્કે ઘણી વખત કોઈ સ્પષ્ટ દુખાવો કે લક્ષણ હોતા નથી, તેથી નિયમિત સ્ક્રીનિંગ જીવનરક્ષક સાબિત થાય છે. કોઈપણ પ્રકારના લક્ષણોની અવગણના ન કરીને તાકીદે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.

મહિલાઓએ ધ્યાનમાં રાખવા જેવા લક્ષણો

- સ્તન અથવા બગલમાં નવી ગાંઠ થવી.

- સ્તનના કદ કે આકારમાં અસામાન્ય ફેરફાર.

- સ્તનની ત્વચા પર લાલાશ, ખરબચડાપણું કે ખાડા પડવા.

- નિપલમાંથી લોહી અથવા અસામાન્ય પ્રવાહી નીકળવું.

ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ મહિલાઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને સમયસર નિદાનના મહત્વને ઉજાગર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande