
સુરત, 02 નવેમ્બર (હિ.સ.): વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો આત્મનિર્ભર બને, તેમનું જીવન વધુ સરળ, સુગમ બને તેવા ઉમદા હેતુથી કેન્દ્ર સરકારના હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(હુડકો) અને એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ હેઠળ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે માંડવી, ઉમરપાડા તથા માંગરોળ તાલુકાના 374 સિનીયર સિટીઝન્સને 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' અંતર્ગત રૂ. 33.26 લાખના ખર્ચે દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકોને ઉપયોગી એવા સહાયક ઉપકરણોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
માંડવીના સઠવાવ આશ્રમ શાળા ખાતે આયોજિત સમારોહમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, સાધન સહાય એ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો પ્રત્યે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો માનવતાવાદી પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સંકલ્પ અભિયાન હેઠળ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોના જીવનમાં ખુશીઓ લાવવા માટે આ મહત્વનું પગલું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માર્ગદર્શન હેઠળ દેશના 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો, માતા-બહેનો અને દિવ્યાંગજનોને ઉત્તમ ક્વોલિટીના કૃત્રિમ અંગો તથા સહાયક ઉપકરણો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
વધુમાં સાંસદે ઉમેર્યું હતું કે, અગાઉ સુરત અને તાપી જિલ્લામાં હાથ ધરવામાં આવેલા અસેસમેન્ટ બાદ આજે 1200 કરતા વધુ લાભાર્થી ભાઈ-બહેનોને સાધનસહાયનું વિતરણ કરાયું છે. સાધનોની નાણાકીય કિંમત મહત્વની નથી, પરંતુ સમાજના પ્રત્યેક વરિષ્ઠ નાગરિકને દૈનિક જીવનમાં સહાયતા અને સન્માન મળે તે સરકારનો સર્વોપરિ હેતુ છે.
વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગનો ઉલ્લેખ કરતા પ્રભુભાઈ વસાવાએ કહ્યું કે, વડાપ્રધાનના વિઝન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચી રહ્યાં છે. ભારત સરકારની કોઈપણ યોજનાને જમીની સ્તરે સાકાર કરવા માટે રાજ્ય સરકારનો સહયોગ અનિવાર્ય છે. કેન્દ્ર સરકારની આ ઉમદા યોજનાનો લાભ આજે જરૂરિયાતમંદ વડીલો સુધી સીધો પહોંચી રહ્યો છે.
આ પ્રસંગે એલિમકો ઈન્ડિયાના (ગુજરાત) મુદુલભાઈ અવસ્થીએ જણાવ્યું હતું કે, સમાજ સુરક્ષા કચેરી-સુરત અને સાંસદ પ્રભુભાઈ વસાવાના સહયોગથી એલિમ્કો દ્વારા ગત સપ્ટેમ્બર-2025માં સુરત જિલ્લાના તમામ તાલુકાના સિનીયર સિટીઝન્સ માટે 'રાષ્ટ્રીય વયો યોજના' અંતર્ગત યોજેલા અસેસમેન્ટ કેમ્પમાં કુલ 1058 સિનીયર સિટીઝન્સ માટે રૂ. 96.83 લાખના કુલ 5602 સાધનોનું અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, માંગરોળ તા.પં. પ્રમુખ સંગીતાબેન ગામિત, ઉમરપાડા તા.પં. પ્રમુખ સપનાબેન વસાવા, અરેઠ તા.પં. પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, માંડવી તા.પં. પ્રમુખ શારદાબેન વસાવા, સમાજ સુરક્ષા વિભાગ- સુરતના નાયબ નિયામક ભાર્ગવીબેન નિનામા, હૂડકો ગુજરાતના ડિવિઝનલ ચીફ વિમલકુમાર શર્મા, આસિ. જનરલ મેનેજર હર્ષદભાઈ પારેખ, સઠવાવ શાળા પ્રિન્સીપાલ કાંતિલાલભાઈ, સામાજિક અગ્રણી લાલજીભાઈ પટેલ, નિવૃત્ત અધિકારી અમરતભાઈ ટેલર, અધિકારી-કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો, લાભાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે