
સુરત, 02 નવેમ્બર (હિ.સ.): કેન્દ્ર સરકાર દ્વારા તા.15/10/2026 થી તા.15/11/2026 દરમિયાન દેશભરના 76 શહેરોમાં “સ્વનિધિ મહોત્સવ” યોજાનાર હોય, તેના ભાગરૂપે મેયર માયાબેન માવાણીના અધ્યક્ષ સ્થાને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે “સ્વનિધિ મહોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત નિયમિત લોન રીપેમેન્ટ કરનાર, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, તથા વ્યવસાયમાં વૃદ્ધિ પ્રાપ્ત કરનાર શેરી ફેરિયાઓ, મહિલા શેરી ફેરિયાઓ, દિવ્યાંગ શેરી ફેરિયાઓ તેમજ વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર શેરી ફેરિયાના બાળકોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મેયરએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દરેક વર્ગના લોકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપવમ આવે છે. અને તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાય છે. જેના પરિણામે સામાન્ય નાગરિકના જીવનમાં પણ આમૂલ પરિવર્તન આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ યોજના દ્વારા શેરી ફેરિયાઓને બેંક મારફતે સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવી તેમને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં, મેયરએ ઉપસ્થિત શેરી ફેરિયાઓને સંબોધતાં વિવિધ મહાનુભાવોનાં ઉદાહરણો આપીને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, અનેક સફળ વ્યક્તિઓએ સામાન્ય વ્યવસાયથી શરૂઆત કરીને પોતાની મહેનત, દૃઢ નિશ્ચય અને આત્મવિશ્વાસના બળે સફળતાનાં શિખરો સર કર્યાં છે. આ ઉદાહરણો દ્વારા તેમણે શેરી ફેરિયાઓને પણ પોતાના વ્યવસાયનો વિકાસ કરવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
“સ્વનિધિ મહોત્સવ” કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, ડે.મેયર સુધાકર ચૌધરી, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલા ત્રિપાઠી તેમજ વિવિધ સમિતિના અધ્યક્ષઓ તથા મ્યુ સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે