ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લે યુવાનો : પ્રધાનમંત્રી
પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરના પ્લેટિનમ જ્યુબીલી સમારોહમાં વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, યુવાનોને મર્યાદિત વિચારસરણીથી બહાર આવીને નવી સંભાવનાઓ શોધવા અને દેશના પડકારોના ઉકેલમાં યોગદાન આ
પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરના પ્લેટિનમ જ્યુબીલી સમારોહમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદી


-પશ્ચિમ બંગાળમાં આઈઆઈટી ખડગપુરના પ્લેટિનમ જ્યુબીલી સમારોહમાં વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો

નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, યુવાનોને મર્યાદિત વિચારસરણીથી બહાર આવીને નવી સંભાવનાઓ શોધવા અને દેશના પડકારોના ઉકેલમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, આઈઆઈટી ખડગપુરના 100મા સ્થાપના દિવસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. ચિપથી લઈને જહાજ સુધીનું નિર્માણ ભારતમાં થશે અને તેમાં યુવાનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

પ્રધાનમંત્રીએ શનિવારે પશ્ચિમ બંગાળના આઈઆઈટી ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં ભાગ લીધો હતો. આ અવસરે તેમણે સંસ્થાનના 75 વર્ષ પૂરા થવા પર વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો અને '75 વોયિસિસ ફોર વિકસિત ભારત' પહેલ હેઠળ 75 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિ, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજૂમદાર સહિતના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોદીએ કહ્યું કે, આઈઆઈટી ખડગપુરે તેની 75 વર્ષની યાત્રામાં દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતે આ સમયગાળા દરમિયાન બળદોની ગાડીથી બુલેટ ટ્રેન અને ટપાલ પત્રોથી સોશિયલ મીડિયા સુધીની સફર તય કરી છે. સંસ્થાને દરેક તબક્કે દેશની વૈજ્ઞાનિક, તકનીકી અનેૌદ્યોગિક ક્ષમતાઓને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે આઈઆઈટી ખડગપુરની સ્થાપના થઈ હતી, ત્યારે દેશને ઉદ્યોગ અને પાયાની માળખાકીય સુવિધાઓ માટે ઇજનેરોની જરૂર હતી. બાદમાં અહીંના વિદ્યાર્થીઓએ અવકાશ અને પરમાણુ ઊર્જા કાર્યક્રમો સાથે માહિતી પ્રૌદ્યોગિકી અને સોફ્ટવેર ઉદ્યોગને આગળ વધારવામાં યોગદાન આપ્યું. હવે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં સંસ્થાનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

તેમણે યુવાનોને કહ્યું કે, તેઓ તેમની પ્રતિભા, સપનાઓ અને દેશની ક્ષમતાને મર્યાદિત ન કરે. રાષ્ટ્રો પોતાની ક્ષમતાઓને ત્યારે જ ઓળખે છે, જ્યારે તેઓ વિચારની મર્યાદાઓ તોડે છે. તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રનું ઉદાહરણ આપતા કહ્યું કે પહેલા ભારતમાં ચિપ નિર્માણને લઈને સવાલો ઉઠાવવામાં આવતા હતા પરંતુ હવે દેશમાં અનેક સેમિકન્ડક્ટર સુવિધાઓ શરૂ થઈ છે અને ભારતે ચિપની નિકાસ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં ચિપથી લઈને જહાજ સુધીનું નિર્માણ દેશમાં થશે.

પ્રધાનમંત્રીએ અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અગાઉ અવકાશ ક્ષેત્રમાં યુવાનો માટે તકો મર્યાદિત હતી પરંતુ હવે તેને તેમના માટે ખોલી દેવામાં આવી છે. આઈઆઈટી ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી પવન દ્વારા સ્કાઇરૂટ એરોસ્પેસની સ્થાપના અને ભારતના પહેલા ખાનગી રોકેટ પ્રક્ષેપણમાં યોગદાન તેનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, દેશના અનેક સ્ટાર્ટઅપ અવકાશ કાર્યક્રમને નવી ગતિ આપી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા 12-13 વર્ષોમાં ભારતમાં આશરે 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ પરિવર્તન મર્યાદિત વિચારસરણીથી બહાર આવીને નવી નીતિઓ અને ગરીબોને સશક્ત બનાવવાના પ્રયાસોથી સંભવ બન્યું છે.

તેમણે કહ્યું કે, આઈઆઈટી ખડગપુર જે જગ્યા પર બન્યું છે, ત્યાં ક્યારેક સ્વતંત્રતા સેનાનીઓ માટે અટકાયત શિબિર હતી. બંગાળની ધરતીએ વિચારો અને રાષ્ટ્રીય આંદોલનોને આગળ વધારવામાં ભૂમિકા ભજવી છે. તે સમયે સ્વતંત્રતા સેનાનીઓએ આ જ જગ્યા પર દેશની આઝાદીનો સંકલ્પ લીધો હતો. આજે આ જ ભૂમિ પર તૈયાર થઈ રહેલા યુવાઓ તેમના નવાચાર અને વિચારોથી ભારતને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, આગામી બે દાયકા યુવાનોના જીવન અને દેશના વિકાસ માટે નિર્ણાયક રહેશે. યુવાનોએ પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે તેઓ દેશના કયા પડકારના ઉકેલમાં યોગદાન આપી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આઈઆઈટી ખડગપુરના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એ સંકલ્પ લેવો જોઈએ કે જ્યારે સંસ્થાન તેની 100મી વર્ષગાંઠ ઉજવે, ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બની ચૂક્યું હોય.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande