
હરિદ્વાર, નવી દિલ્હી, 22 નવેમ્બર (હિ.સ.) જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીના અવસાન પર ગાઢ શોક વ્યક્ત કર્યો છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને શોકસંવેદના સંદેશ મોકલીને આ મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સંબળ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી.
શંકરાચાર્યએ કહ્યું કે, માતાની સ્નેહભરી છત્રછાયાનું જીવનમાંથી હટી જવું એ અપૂરણીય ક્ષતિ છે, જેની પૂર્તિ કરવી શક્ય નથી. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથ રાષ્ટ્રસેવામાં સમર્પિત છે, પરંતુ જન્મદાત્રી માતાનું વાત્સલ્ય અને તેમનું છૂટા પડવું હૃદયને વ્યથિત કરનારું હોય છે.
શંકરાચાર્યએ પોતાના સંદેશમાં શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોક- 'अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत। अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥' નો ઉલ્લેખ કરતા કહ્યું કે, જીવન અને મૃત્યુ ઈશ્વરના શાશ્વત નિયમનો હિસ્સો છે. જન્મ પહેલાં તમામ પ્રાણીઓ અવ્યક્ત અવસ્થામાં હોય છે, જીવનકાળ દરમિયાન વ્યક્ત થાય છે અને મૃત્યુ પછી પુનઃ અવ્યક્ત થઈ જાય છે.
તેમણે કહ્યું કે, માતાનો અસીમ સ્નેહ, તપસ્યા, સંસ્કાર, માર્ગદર્શન અને તેમના દ્વારા આપવામાં આવેલા ઉચ્ચ જીવન મૂલ્યો હંમેશાં સ્મૃતિઓમાં જીવંત રહેશે. શંકરાચાર્યએ ભગવાન બદરીવિશાળ અને બાબા વિશ્વનાથને દિવંગત પવિત્ર આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપવા તથા યોગી આદિત્યનાથ સહિત તમામ શોકાતુર પરિજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ અને ધૈર્ય પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ