ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણો સામે 180 અગરિયાઓની રજૂઆત, ન્યાય નહીં મળે તો ગાંધીનગર કૂચની ચીમકી
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : ઘુડખર અભયારણ્યના સાંતલપુર રાઉન્ડ વિસ્તારમાં મીઠું પકવતા આશરે 180 અધિકૃત અગરિયાઓએ ગેરકાયદે દબાણો અને અભયારણ્યના કર્મચારીઓની કથિત મિલીભગત સામે પાટણના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ટ્રેડિશનલ સોલ્ટ વર્કર્સ એસોસિએશન ઓફ ક
ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે દબાણો સામે 180 અગરિયાઓની રજૂઆત, ન્યાય નહીં મળે તો ગાંધીનગર કૂચની ચીમકી


પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : ઘુડખર અભયારણ્યના સાંતલપુર રાઉન્ડ વિસ્તારમાં મીઠું પકવતા આશરે 180 અધિકૃત અગરિયાઓએ ગેરકાયદે દબાણો અને અભયારણ્યના કર્મચારીઓની કથિત મિલીભગત સામે પાટણના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ટ્રેડિશનલ સોલ્ટ વર્કર્સ એસોસિએશન ઓફ કચ્છ રણના નેજા હેઠળ અગરિયાઓએ જમીનની માપણી અને GPS મેપિંગની માંગ કરી છે.

એસોસિએશનના મંત્રી નરેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમની પાસે લીઝની જમીન, રેવન્યુ રેકોર્ડ અને DILRના નકશા સહિતના કાયદેસર પુરાવા છે. તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી 15 ઓક્ટોબરે રણ ખુલ્લું મૂકવાને બદલે એકથી બે મહિના મોડો પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે બિનઅધિકૃત લોકોને પ્રવેશ મળતો હોવાનો આક્ષેપ કર્યો છે.

અગરિયાઓના આક્ષેપ મુજબ, ભૂમાફિયાઓએ સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી આડેધડ બોરિંગ કરતાં અગાઉ 40થી 50 ફૂટે મળતું પાણી હવે 200થી 250 ફૂટે મળે છે. ઉપરાંત ટ્રેક્ટર લઈ જવા અને સમારકામની મંજૂરી ન મળવાથી મીઠાના ઉત્પાદન અને ઉપાડવામાં દોઢ મહિના જેટલો વિલંબ થાય છે. અભયારણ્યના કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાઓને છાવરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

અગરિયાઓના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ છતાં ગેરકાયદે દબાણો સામે નક્કર કાર્યવાહી થઈ નથી. તેમણે રેવન્યુ રેકોર્ડ અને DILRના નકશા મુજબ જમીનની માપણી કરી GPS લોકેશન સાથે KML ફાઇલ તૈયાર કરવાની માંગ કરી છે. યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande