પાટણ જિલ્લામાં ચણાના ઊભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચણાના ઊભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમી તાલુકાના બાસ્પા ગામ સહિતના વિસ્તારોમાં ચણાના પાકમાં મોટા પ્રમાણમાં ઇયળ જોવા મળી રહી છે. બાસ્પા ગામના ખેડૂત ઈશ્વરજીએ જણાવ્યું હતું કે તેમ
પાટણ જિલ્લામાં ચણાના ઊભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા


પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચણાના ઊભા પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સમી તાલુકાના બાસ્પા ગામ સહિતના વિસ્તારોમાં ચણાના પાકમાં મોટા પ્રમાણમાં ઇયળ જોવા મળી રહી છે. બાસ્પા ગામના ખેડૂત ઈશ્વરજીએ જણાવ્યું હતું કે તેમના ખેતરમાં ચણાના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતાં પાકને બચાવવા દવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે. અગાઉથી જ ખેતી પાછળ મોટો ખર્ચ થયો છે, ત્યારે હવે દવાઓ પાછળ વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, વધતા ખેતી ખર્ચ અને પાકને નુકસાન થવાની ભીતિને કારણે આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે. જો સમયસર ઇયળનો ઉપદ્રવ કાબૂમાં નહીં આવે તો ચણાના ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે અને આખા વર્ષની મહેનત નિષ્ફળ જવાની શક્યતા છે. સરકાર તરફથી કોઈ સહાય ન મળતી હોવાની પણ ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી છે.

ખેડૂતોએ ખેતીવાડી વિભાગના અધિકારીઓ તાત્કાલિક અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ પાકનું નિરીક્ષણ કરે અને જીવાતના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ કરી છે. આ ઉપરાંત પાકના નુકસાનનો સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં આવે તથા તંત્ર દ્વારા સમયસર જરૂરી પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande