ભાવનગર : ઘરમાં જ મશરૂમ ઉત્પાદન શરૂ કરી યુવાને સ્વરોજગારીનું મોડેલ ઊભું કર્યું
ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં પાણીની અછતના કારણે પરંપરાગત ખેતી પડકારરૂપ બની રહી છે. આવા સંજોગોમાં વલ્લભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામના 23 વર્ષીય આદર્શભાઈ ગઢવીએ ખેતી ક્ષેત્રે નવીન પ્રયોગ કરી સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો
મશરૂમ ખેતી


ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં પાણીની અછતના કારણે પરંપરાગત ખેતી પડકારરૂપ બની રહી છે. આવા સંજોગોમાં વલ્લભીપુર તાલુકાના રતનપર ગાયકવાડી ગામના 23 વર્ષીય આદર્શભાઈ ગઢવીએ ખેતી ક્ષેત્રે નવીન પ્રયોગ કરી સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો છે. તેમણે પોતાના ઘરમાં જ વેસ્ટર મશરૂમનું ઉત્પાદન શરૂ કરી મર્યાદિત જગ્યામાં આવકનું નવું સાધન ઊભું કર્યું છે.

માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર આદર્શભાઈએ નોકરી માટે મોટા શહેરોમાં જવાને બદલે ગામમાં રહી કંઈક નવું કરવાની વિચારધારા સાથે મશરૂમ ફાર્મિંગ શરૂ કર્યું હતું. મશરૂમ ઉત્પાદનની પદ્ધતિ, બજારમાં તેની માંગ અને ઓછા સ્થળમાં ખેતી કરવાની શક્યતાઓ જાણ્યા બાદ તેમણે આ ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.

પ્રથમ તબક્કામાં આશરે 200 બેગમાં મશરૂમનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ઉત્પાદન તૈયાર થવામાં અંદાજે ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. તૈયાર મશરૂમનું ગુજરાત બહાર વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિ કિલો 700થી 750 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. પ્રથમ ઉત્પાદનના સમયગાળામાં અંદાજે 80 હજારથી એક લાખ રૂપિયા સુધીની આવક મેળવી હતી.

શરૂઆતમાં ઉત્પાદન માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું અને ટેકનિકલ જાણકારી મેળવવા સહિતની મુશ્કેલીઓ આવી હતી, પરંતુ મહેનત અને સતત પ્રયાસોથી તેમણે સફળતાની દિશામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.

આદર્શભાઈનો પ્રયોગ ગ્રામ્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે. અભ્યાસ બાદ નોકરીની રાહ જોવાને બદલે પોતાના ગામમાં જ નવી તક ઊભી કરી સ્વરોજગાર તરફ આગળ વધી શકાય છે, તે તેમણે સાબિત કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande