
ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છ ગુજરાત 100 દિવસ’ અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ 25 નવેમ્બર, 2026 ના રોજ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના રહેણાક વિસ્તારોમાં શહેરીજનોને ઘન કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ અંગે જાગૃતિ લાવવા IEC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન) પ્રવૃત્તિ યોજવામાં આવી હતી.
આ પ્રવૃત્તિ દરમિયાન નાગરિકોને ઘરેથી નીકળતા કચરાનું યોગ્ય રીતે અલગ-અલગ વર્ગીકરણ કરી કચરાના નિકાલ માટે મહાનગરપાલિકાની કચરા એકત્રિત કરવાની વ્યવસ્થામાં સહકાર આપવા સમજાવવામાં આવ્યું હતું. ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનિટરી કચરો અલગ રાખવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કચરાનું સ્તરે જ યોગ્ય વર્ગીકરણ કરવામાં આવે તો કચરાના નિકાલની પ્રક્રિયા સરળ બને છે અને પર્યાવરણને થતું નુકસાન પણ ઘટાડી શકાય છે. સ્વચ્છતા જાળવવા નાગરિકોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાથી મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી અભિયાનમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA