
સુરત, 25 નવેમ્બર (હિ.સ.): જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતા જૈતુનબીબીના મૃત્યુ સાથે જોડાયેલા તબીબી બેદરકારીના કેસમાં સુરતની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપી ડૉ. પરેશ ભજીયાવાલાને, કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે. ફરિયાદી પક્ષ તરફથી વકીલ કેતન રેશમવાલાએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી.
આ સમગ્ર ઘટના જાન્યુઆરી 2009ની છે, જ્યારે 70 વર્ષીય જૈતુનબીબીને તાવ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગરમ પાણીની થેલી લાંબા સમય સુધી તેમના શરીર પર રહેતા તેમની પીઠ અને હાથ ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારનો આક્ષેપ હતો કે, સમયસર યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમની તબિયત વધુ બગડી હતી અને ફેબ્રુઆરી 2009માં તેમનું અવસાન થયું હતું.
આ ઘટનાને પગલે અઠવા પોલીસે, વર્ષ 2009માં ડૉ. પરેશ ભજીયાવાલા વિરુદ્ધ તબીબી બેદરકારીનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. હોસ્પિટલના સંચાલક ડૉ. ગિરીશ શાહ સહિત અન્ય તબીબો સામે પણ પરિવારે બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ફેબ્રુઆરી 2025માં કોર્ટની કાર્યવાહી દરમિયાન ઇસ્માઇલ દરબારે, ચાર્જશીટમાંથી નામ દૂર કરાયેલા અન્ય બે ડોક્ટરો અંગે પણ જુબાની આપી હતી. હવે આ કેસમાં ડૉ. પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજાનો ચુકાદો આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે