

- ભરતસિંહ સોલંકીએ કહ્યું-'200 વર્ષમાં અંગ્રેજોએ દેશને જેટલો લૂંટ્યો, તેનાથી વધુ ભાજપે માત્ર 12 વર્ષમાં લૂંટ્યો'
અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા સાથે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા સાથે ‘સંવિધાન રક્ષા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ચ પહેલાં રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતનાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 200 વર્ષમાં અંગ્રેજોએ દેશને જેટલો લૂંટ્યો હતો, તેનાથી વધુ ભાજપે માત્ર 12 વર્ષમાં દેશને લૂંટ્યો છે.
જાહેરસભા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરી સંવિધાનના રક્ષણના શપથ લીધા હતા. ત્યારબાદ રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી ‘સંવિધાન રક્ષા માર્ચ’ યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
માર્ચ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને તેમની ધરપકડ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. માર્ચના સમાપન બાદ પાલડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું કે, આજે સત્તામાં બેઠેલા શાસકોએ દેશના સંવિધાન પર હુમલો કર્યો છે. આજની વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો, આદિવાસીઓને તેમના અધિકારો નથી મળતા, દલિતોને સમાનતા અને મહિલાઓને બરાબરીનો હક નથી મળી રહ્યો. યુવાનો પાસે રોજગાર નથી અને મજૂરોના હાથમાં કામ નથી. વેપારીઓ અને દુકાનદારોને ડર અને ભ્રષ્ટાચાર વિના જીવવાનો અધિકાર નથી મળી રહ્યો, નાના-મધ્યમ ઉદ્યોગપતિઓને ED અને ઇન્કમટેક્સના ભય વિના ધંધો કરવાનો અધિકાર નથી મળી રહ્યો.
આખો દેશ અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. દિલ્હી અને ગુજરાતની સરકારમાં બેઠેલા લોકોએ દેશના સંવિધાન અને સંવિધાનિક સંસ્થાઓ પર હુમલો કર્યો છે. બાબા સાહેબ આંબેડકરે રાજનીતિક સમાનતાની સાથે સાથે આર્થિક સમાનતાની વાત કરી હતી. આજે ન્યાયની પરિકલ્પના જે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકરએ કરી હતી તેના પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત અને દેશના નાગરિકોએ સંવિધાનની સુરક્ષા માટે કવચ બનીને આ લોકો સામે ઊભા રહેવું પડશે તો જ સરકારના ના પાક ઇરાદાઓને નિષ્ફળ કરી શકીશું. જે સંકલ્પ કોંગ્રેસના નેતાઓએ પણ લીધો છે.પાલડી ચાર રસ્તા ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી સંવિધાન રક્ષા માર્ચ પૂર્ણ કરવામાં આવી છે.
સંવિધાનનું રક્ષણ કરવા માટે આમુખનું વાંચન કરીને કોંગ્રેસના નેતાઓએ શપથ લીધા
'વોટ બચાવો દેશ બચાવો'ના નારા સાથે એક-એક ગામમાં જઈશું: અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના બબ્બર શેર તડકો હોવા છતાં બેઠા છે. ચૂંટણી કે રાજકીય કાર્યક્રમ માટે નહીં લોકોના મતનો અધિકાર બચાવવા માટે સંવિધાન રક્ષા માર્ચ યોજવામાં આવી રહી છે. આઝાદી પછી કોઈના પણ બંધારણ અધિકારની વાત આવી, કોઇએ લોકશાહી હનન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો અવાજ કોંગ્રેસે ઉઠાવ્યો છે. લોકશાહી ખતમ થઈ જાય અને મુઠ્ઠીભર લોકોના હાથમાં સાશન આવે તેવો પ્રયાસ કરવામાં આવતા બંધારણને બચાવવા માટે કોંગ્રેસ લડત ચાલુ રાખશે.
બંધારણે બોલવાની અને લખવાની આઝાદી આપી છે પણ ગુજરાતમાં ભાજપના નેતાઓ સામે કોઈ સોશિયલ મીડિયામાં લખે કે કોઈ ઇન્ટરવ્યુ આપે તો તાત્કાલિક કટોકટી હોય તે રીતે લોકોના અધિકાર ખતમ કરવા પોલીસ આગળ આવી જાય છે. 'વોટ બચાવો દેશ બચાવો'ના નારા સાથે એક-એક ગામમાં જઈશું. વોટ રક્ષકની નિમણૂક કરી એક પણ વ્યક્તિનો બંધારણનો અધિકાર ન છીનવાઈ તે માટે જમીન પર જઈને કામ કરીશું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ