

- ઇન્દ્રોડા નેચર પાર્ક પરિસરમાં સફાઈ અભિયાન અને પ્લાસ્ટિક કલેક્શન કરી.
- પ્રવાસીઓમાં સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
ગાંધીનગર, 25 નવેમ્બર (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણના ઉમદા હેતુ સાથે ગીર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇકો એક્ટિવિટીમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સેલના 35 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ અંતર્ગત ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા નેચર પાર્કના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંસેવકોએ શ્રમદાન દ્વારા પાર્ક પરિસરની સફાઈ કરી અંદાજિત મોટી માત્રામાં પ્લાસ્ટિક સહિતના અન્ય કચરાનું એકત્રિકરણ કર્યું હતું.
ઇન્દ્રોડા નેચર પાર્ક પ્રકૃતિ, વન્યજીવ અને જૈવવિવિધતાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ મુલાકાત લેતા હોય છે. આવા કુદરતી અને શૈક્ષણિક મહત્ત્વ ધરાવતા સ્થળોની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે તેવા હેતુથી NSS સ્વયંસેવકોએ સમગ્ર પરિસરમાં સ્વચ્છતા પ્રવૃત્તિ હાથ ધરી હતી.સ્વયંસેવકોએ માત્ર સફાઈ પૂરતી પ્રવૃત્તિને મર્યાદિત ન રાખતાં પાર્કમાં આવતા પ્રવાસીઓ સાથે સંવાદ સાધી સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તથા કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃતિ સંદેશ આપ્યો હતો. ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણ અને વન્યજીવોને થતા નુકસાન અંગે લોકોને સમજણ આપી પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા પ્રેરિત કર્યા હતા.આ સમગ્ર પ્રવૃત્તિમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય અંતર્ગત કાર્યરત AAPCC, BPCBA, BPCCS, SKPIMCS અને LDRP સંસ્થાઓના NSS સ્વયંસેવકોએ સહભાગી બની સામૂહિક જવાબદારી, સેવાભાવના અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તમામ સ્વયંસેવકોએ ખૂબ જ ઉત્સાહ, શિસ્ત અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું હતું.આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર સ્વચ્છતા અંગેની જાગૃતિ જ નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા, સામાજિક જવાબદારી, શ્રમનું ગૌરવ અને જાહેર સ્થળોની જાળવણી અંગેની નાગરિક ફરજની ભાવના પણ વધુ મજબૂત બની હતી.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સેલ દ્વારા યુવાનોમાં સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસે તેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું સમગ્ર સંકલન યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
'સ્વચ્છ પર્યાવરણ એ માત્ર અભિયાન નથી, પરંતુ આપણી જીવનશૈલી અને સામૂહિક જવાબદારી છે' એ સંદેશ સાથે કડી સર્વ, NSS સ્વયંસેવકોએ પોતાની સેવાભાવના દ્વારા સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ