
ભાવનગર, 25 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા વિરાણી સર્કલ નજીક ગોકુલધામ સોસાયટી ખાતે આવેલી શિવશક્તિ રેસિડેન્સી-1માં ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેસિડેન્સીના રહેવાસીઓને આગની દુર્ઘટનાઓથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડેમો દરમિયાન આગ લાગવાના સંભવિત કારણો, આગની ઘટના બને ત્યારે તાત્કાલિક શું પગલાં લેવા, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તથા આગ બુઝાવવા માટે ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સમજ આપવામાં આવી હતી.
ફાયર વિભાગના કર્મચારીઓએ ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવાની પ્રાયોગિક સમજ આપી વિવિધ પ્રકારની આગને કાબૂમાં લેવા માટેની પદ્ધતિઓનું નિદર્શન કર્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ અને અન્ય જોખમી પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો હેતુ રહેવાસીઓમાં આગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો તથા કટોકટીના સમયે ગભરાયા વગર યોગ્ય પગલાં લેવા સક્ષમ બનાવવાનો હતો. રહેવાસીઓએ ડેમોન્સ્ટ્રેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA