
ઓનલાઈન ફરિયાદ બાદ કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી: રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ કબજે કરી વાહન માલિકને નોટિસ ફટકારાઈ
રાજકોટ, 25 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે સોફ્ટ મોરમનું ખનન કરતી ટોળકી પર ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો છે. જિલ્લા કલેક્ટર સમક્ષ થયેલી ઓનલાઈન ફરિયાદના આધારે તંત્રએ કાર્યવાહી કરીને સ્થળ પરથી એક જેસીબી મશીન અને ડમ્પર સહિત રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહન માલિકને નોટિસ ફટકારી છે.
રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર જમીન તથા ગૌચરમાંથી ખનીજ સંપત્તિની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન શહેરના જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગની બાજુમાં સરકારી ખરાબાની જમીનમાંથી બિનઅધિકૃત રીતે સોફ્ટ મોરમનું ખોદકામ કરવામાં આવતું હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ પ્રકરણમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમે ઘટનાસ્થળે ત્રાટકીને ખોદકામ અને પરિવહનની કામગીરી અટકાવી હતી.
ઘટનાની વિગતો મુજબ જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગથી આગળ એફ.સી.આઈ. ગોડાઉન નજીક આવેલી સરકારી ખરાબાની જમીનમાં દિવસના સમયે જેસીબી મશીન વડે ખોદકામ ચાલી રહ્યું હતું. અહીંથી સોફ્ટ મોરમ કાઢીને ડમ્પર મારફતે તેનું ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવતું હતું. આ સમગ્ર ગતિવિધિ અંગે એક જાગૃત નાગરિક દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને ઓનલાઈન અરજી કરીને સત્તાવાર ફરિયાદ મોકલવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે આ ઓનલાઈન ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી કલેક્ટર કચેરીના ત્રીજા માળે કાર્યરત ખાણ ખનિજ વિભાગને તપાસના આદેશ આપ્યા હતા. કલેક્ટરની સૂચના મળતા જ ભૂસ્તરશાસ્ત્રી જે.આર. સાવનેરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનિજ વિભાગની ટીમ સક્રિય થઈ હતી. વિભાગના સર્વેયર હિતેશ ગઢવી અને જી.વી. ચૌહાણ સહિતના સ્ટાફે ખોદકામ ચાલી રહ્યું હતું તે સ્થળ પર અચાનક દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી.
ખાણ ખનિજ વિભાગની આ ઓચિંતી કાર્યવાહી દરમિયાન સરકારી જમીનમાંથી સોફ્ટ મોરમ ભરી રહેલા જેસીબી ઓપરેટર અને ડમ્પર ચાલક સ્થળ પરથી મળી આવ્યા હતા. અધિકારીઓએ બંને વ્યક્તિઓને રોકીને ખોદકામની મંજૂરી અંગેના આધાર-પુરાવા માંગ્યા હતા, પરંતુ કોઈ કાયદેસરની પરવાનગી ન હોવાનું ખુલ્યું હતું. તંત્ર દ્વારા સ્થળ પર હાજર બંને વ્યક્તિઓની સઘન પૂછપરછ કરીને સમગ્ર ખનન પ્રવૃત્તિ અંગેની વિગતો મેળવવામાં આવી હતી.
સમગ્ર મામલે ખાણ ખનિજ વિભાગે સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ડમ્પર મળીને કુલ રૂપિયા 3.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને જપ્ત કરાયેલા વાહનોને નજીકમાં આવેલા આર.એમ.સી. સિમેન્ટ કોંક્રિટ પ્લાન્ટ ખાતે સુરક્ષિત રીતે સીઝ કરીને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને વાહનોના માલિક રામ ભરવાડને કાયદેસરની નોટિસ પાઠવીને આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે પ્રાથમિક તપાસમાં અહીં છેલ્લા ત્રણ દિવસથી ખનન ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt