
- સરગવાળા ગામે ખેડૂતો અને આપ યુવા પ્રમુખની ધરપકડ સામે વિરોધ, નિષ્પક્ષ તપાસની માગણી.
જામનગર, 25 નવેમ્બર (હિ.સ.) : જામનગરના સરગવાળા ગામે ખેડૂતોની મંજૂરી કે પૂરતા વળતર વિના જીપીસીએલ દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે વિરોધ વકર્યો છે. આ મામલે વિરોધ કરનારા સાત ખેડૂતો તેમજ તેમના સમર્થનમાં પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સામે ગંભીર કલમો હેઠળ ધરપકડની કાર્યવાહી કરાતા આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગણી કરવામાં આવી છે.
જામનગર તાલુકાના સરગવાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી જીપીસીએલ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન પસાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની પૂર્વમંજૂરી લીધા વિના તેમજ જમીનનું યોગ્ય અને પૂરતું વળતર ચૂકવ્યા વગર કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્ર દ્વારા સાત ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.
ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેમને ન્યાય અપાવવાના હેતુથી ઘટનાસ્થળે પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના દાવા મુજબ, બ્રિજરાજ સોલંકી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 307 સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોની તરફેણમાં અવાજ ઉઠાવનારા નેતા અને ખેડૂતો સામે આ પ્રકારની કાર્યવાહી થતા પક્ષના સંગઠનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
આ સમગ્ર પોલીસ કાર્યવાહી અને વહીવટી તંત્રના વલણ સામે વિરોધ નોંધાવવા માટે જામનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામ રાઠોડ અને યુવા પ્રમુખ મયુર ચાવડાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો એકત્ર થયા હતા. પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે રજૂઆત કરે તે તેમનો બંધારણીય અધિકાર છે, પરંતુ તેમની રજૂઆત સાંભળવાને બદલે ગંભીર ગુનાની કલમો લગાવી દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ખેડૂતોને સાથે રાખીને જામનગર જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રના માધ્યમથી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવા, ખેડૂતો અને આપ નેતા પરથી ગંભીર કલમો હટાવી તેમને મુક્ત કરવા તેમજ ખેડૂતોને યોગ્ય વળતર અપાવી તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માગણી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt