
જૂનાગઢ, 25 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પરિવહનની સુગમ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓની અવરજવર સુગમ બને તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી તેમજ ગુજરાતના વિવિધ રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવી હતી.
પરિક્રમા દરમિયાન એસ.ટી. નિગમ દ્વારા કુલ ૮,૧૮૭ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧,૨૯૪ વાહનોનો ઉપયોગ થયો હતો. આ વ્યવસ્થા થકી કુલ ૩,૪૫,૫૭૧ મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો. જેના પરિણામે નિગમને રૂ.૨.૬૫ કરોડની રેકોર્ડબ્રેક આવક પ્રાપ્ત થઈ હતી.
પરિક્રમા મેળા દરમિયાન એસ.ટી. વિભાગે સલામતી અને સુચારુ પરિવહન વ્યવસ્થાને પ્રાથમિકતા આપી હતી. સમગ્ર સંચાલન દરમિયાન એક પણ અકસ્માત નોંધાયો ન હતો. ઉપરાંત વાહનોમાં કોઈ બ્રેકડાઉન નોંધાયું નહોતું તેમજ મુસાફરો તરફથી એકપણ ફરિયાદ મળી ન હોતી. આ ઉપરાંત મુસાફરો દ્વારા ઓનલાઈન અને મોબાઇલ બુકિંગ તેમજ QR કોડ મારફતે ડિજિટલ ટિકિટ બુકિંગને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. કુલ ૫૭,૫૯૭ સીટનું ડિજિટલ માધ્યમથી બુકિંગ થયું હતું, જ્યારે ડિજિટલ પેમેન્ટ થકી રૂ. ૧,૨૮,૪૧,૭૭૦ની આવક નોંધાઈ હતી.
મુસાફરોને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળે તે માટે એસ.ટી. વિભાગના સ્ટાફ દ્વારા બસો અને બસ સ્ટેશનોમાં ૨૪ કલાક સ્વચ્છતા જાળવવામાં આવી હતી. મુસાફરોને પ્લાસ્ટિકની થેલી અને બોટલનો ઉપયોગ ટાળવા અપીલ કરવાની સાથે ઇકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુસાફરો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બસ કે બસ સ્ટેશનમાં મુસાફરોની રહી ગયેલી વસ્તુઓ પરત સોંપી કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મુસાફરોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને ગ્રુપ માટે વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી હતી. વ્યવસ્થાના દરેક તબક્કે મુસાફરોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
સાથે જ ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬ના સફળ સંચાલનમાં સહયોગ આપનાર તમામ મુસાફરો અને નાગરિકોનો જૂનાગઢ એસ.ટી.ના વિભાગીય નિયામક વી.બી. ડાંગરે આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ